બગસરા તાલુકાના માવજીંજવા ગામે કૌટુંબિક મનદુઃખ અને વારંવાર થતી અરજીઓથી કંટાળીને એક યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગંભીર હાલતમાં યુવકને વધુ સારવાર અર્થે અમરેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, કુલદીપપરી જયસુખપરી ગોસાઇને તેના મોટા બાપુજીના દીકરાઓ ધર્મેશભાઈ, હરેશભાઈ તથા તેના મોટા બા રમાબેન સાથે જૂનો કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો. સામાવાળાઓ દ્વારા તેના પર વારંવાર ખોટા કેસ અને અરજીઓ કરવામાં આવતી હતી. આ સતત માનસિક ત્રાસથી કંટાળીને અને મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરે જ ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. દવાની અસર થતાં યુવકને ઉલટી-ઉબકા શરૂ થયા હતા, જે જોઈને તેના કાકા શૈલેશપરી તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ટીમે સ્થળ પર પહોંચી પ્રથમ બગસરા સી.એચ.સી. ખાતે પ્રાથમિક સારવાર અપાવી હતી. ત્યારબાદ વધુ ગંભીર સારવાર માટે તેને અમરેલી સરકારી દવાખાને રિફર કરવામાં આવ્યો હતો. હાલ યુવક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.








































