અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં વિદ્યાર્થીઓએ ગુરૂપૂર્ણિમા ઉત્સવની વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ઉજવ્યો હતો. આ ઉત્સવ નિમિતે ગુરૂવંદનાની ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ ઉત્સવ વેદ વ્યાસના જન્મ દિવસ નિમિત્તે ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવાય છે. તેમણે ધર્મ, સંસ્કૃતિ, અધ્યાત્મ અને સામાજિક જીવન માટે ઉત્તમ માર્ગદર્શક ગ્રંથો લખીને માનવ જાતને જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહાભારત, હરિવંશ, બ્રહ્મસૂત્ર તથા પુરાણોની રચના કરીને માનવ સમાજને માર્ગદર્શન પૂરું પાડ્‌યું છે. સંસ્થાના વ્યવસ્થાપક દીપકભાઈ અને વિલાસબેન વઘાસિયા, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી વેદવ્યાસને નમસ્કાર કર્યા હતા. દીપકભાઈ વઘાસિયાએ વિદ્યાર્થીઓને જીવનમાં ગુરુનું મહત્વ સમજી તેમનો આદર કરી અને જ્ઞાન અનુભવને પોતાના જીવનમાં ઉતારી પ્રગતિના પંથે આગળ વધવાની શીખ આપી હતી.