બાબરાના રાણપર ગામની સીમમાં આવેલી વાડીએથી લસણની બોરીઓ ચોરાઈ હતી. આ અંગે જસદણના જીવાપરા ગામે રહેતા ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી. લાલજીભાઈ શામજીભાઈ ભાલાળા (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની માલિકીની વાડી રાણપર ગામની સીમમાં આવેલી છે. જેમાં અજાણ્યા ચોર ઇસમોએ ગેરકાયદે પ્રવેશ કરી વાડીના ગોડાઉનના દરવાજાનું તાળું તોડી અંદર રાખેલી લસણની ૧૧ બોરીઓ (આશરે ૨૭ મણ, કિંમત રૂ. ૪૫,૯૦૦)ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.એન. ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.









































