વિશ્વ હેપેટાઈટિસ દિવસ નિમિત્તે શાંતબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, અમરેલી દ્વારા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય વાયરલ હેપેટાઈટિસ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૧ થી ૨૮ જુલાઈ દરમિયાન હેપેટાઈટિસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કાર્યક્રમોમાં હેપેટાઈટિસના પ્રકારો, તેના સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ર્નસિંગ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીડલ સ્ટિક ઈન્જરી પ્રિવેન્શન, સેફ ઈન્જેક્શન પ્રેક્ટિસ તેમજ સ્ટાન્ડર્ડ ઈન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રેક્ટિસ અંગે માર્ગદર્શન અપાયું હતું. નિષ્ણાત તબીબોએ જણાવ્યું કે હેપેટાઈટિસનું સમયસર નિદાન અને સારવાર થવાથી ગંભીર જટિલતાઓથી બચી શકાય છે. આર.ટી. સેન્ટર તથા એન.વી.એચ.સી.પી. સારવાર કેન્દ્ર ખાતે હેપેટાઈટિસ બી અને સી માટે નિઃશુલ્ક તપાસ, નિદાન, સારવાર, દવાઓ અને પરામર્શ સેવાઓ ઉપલબ્ધ છે. નાગરિકોને કોઈપણ લક્ષણ જણાય તો નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સમયસર તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને હેપેટાઈટિસ અંગે જાગૃત બનાવી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનાવવાનો રહ્યો હતો.