રાજય સરકારના રમતગમત ક્ષેત્રે પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે યોજાતા ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વ્રજ વિદ્યાલય, મોટી કુંકાવાવના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતપ્રતિભા દર્શાવી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે. તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં અન્ડર-૧૭ બહેનોની ટીમે પ્રથમ ક્રમ મેળવી શાનદાર વિજય મેળવ્યો હતો. જ્યારે અન્ડર-૧૭ ભાઈઓની ટીમે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાની સિદ્ધિઓમાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે. ટૂંકા સમયની તૈયારી છતાં વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને અથાગ મહેનતના બળે મેદાનમાં શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા, પ્રતિનિધિ ઉદયભાઈ દેસાઈ, આચાર્ય તથા સંચાલક વિવેકભાઈ દીક્ષિત, પંકજભાઈ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.