રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી તેમનું રાજીનામું સ્વીકાર્યા પછી, ભાજપના નેતા રવનીત સિંહ બિટ્ટુએ શુક્રવારે કહ્યું કે તેઓ હવે તેમનું સંપૂર્ણ ધ્યાન પંજાબ ચૂંટણી પર કેન્દ્રિત કરશે. બિટ્ટુ લુધિયાણા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાવાની છે. ભાજપે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે એકલા વિધાનસભા ચૂંટણી લડશે.પંજાબમાં ભાજપના અગ્રણી શીખ ચહેરા બિટ્ટુએ જણાવ્યું હતું કે તેમણે ૨૧ જૂને રાજીનામું આપ્યું હતું, જ્યારે તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો હતો. બિટ્ટુએ કહ્યું કે તેમણે જલંધરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું રાજીનામું સ્વીકારવા વિનંતી કરી હતી. બિટ્ટુએ કહ્યું, “મેં જલંધરની રેલી દરમિયાન અને સોમવારે પણ વડા પ્રધાનને કહ્યું હતું કે હું વિનંતી કરું છું કે મારું રાજીનામું સ્વીકારવામાં આવે અને તેઓ મને આશીર્વાદ આપે.”જૂનમાં, બિટ્ટુએ સંસદમાં લગભગ ૧૭ વર્ષ ગાળ્યા બાદ પંજાબ વિધાનસભામાં સેવા આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બિટ્ટુએ ત્યારે કહ્યું હતું કે ૨૦૨૪ની સંસદીય ચૂંટણી હારી ગયા હોવા છતાં ભાજપે તેમને મંત્રી બનાવ્યા હતા. બિટ્ટુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ પંજાબમાં સરકાર બનાવશે કારણ કે રાજ્યના લોકો વિરોધી રાજકીય પક્ષોથી કંટાળી ગયા હતા. બિટ્ટુએ કહ્યું હતું કે પંજાબના લોકો અન્ય પક્ષોથી પણ કંટાળી ગયા હતા. લોકો ભાજપ શાસિત રાજ્યોમાં થઈ રહેલા વિકાસ અને પ્રગતિથી સારી રીતે વાકેફ છે અને તેઓ પંજાબમાં પણ સમૃદ્ધિ ઇચ્છે છે.
નોંધનીય છે કે બિટ્ટુ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર છે, જેમની ૧૯૯૫માં હત્યા કરવામાં આવી હતી. બિટ્ટુ કોંગ્રેસની ટિકિટ પર ત્રણ વખત લોકસભા સાંસદ રહ્યા હતા. તેઓ પહેલી વાર ૨૦૦૯માં આનંદપુર સાહિબથી ચૂંટાયા હતા. બાદમાં, તેઓ ૨૦૧૪ અને ૨૦૧૯માં લુધિયાણાથી બે વાર ચૂંટાયા હતા. ભાજપમાં જાડાયા બાદ, તેમણે ૨૦૨૪માં લુધિયાણા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ જીતવામાં નિષ્ફળ ગયા હતા. તેમને કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહ રાજા વારિંગે હરાવ્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જાડાયા હતા.