અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડએ બુધવારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા. અદાણી ગ્રુપ કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૦.૨૩ ટકા વધીને ૩,૬૪૯.૫૦ કરોડ થયો છે. એ નોંધવું જાઈએ કે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૩,૩૧૦.૬૦ કરોડ હતો.બુધવારે એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને ૧૧,૬૭૩.૭૧ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ૯,૪૨૨.૧૮ કરોડ હતી. આ જ સમયગાળા દરમિયાન તેનો કુલ ખર્ચ પણ વધીને ૭,૦૭૮.૬૪ કરોડ થયો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ૫,૭૩૧.૮૮ કરોડ હતો.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઈઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, “તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં સંતુલિત વૃદ્ધિએ અમારા મહત્વાકાંક્ષી ૨૦૩૧ ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અમારા વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.”અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં એક અબજ ટન (૧,૦૦૦ એમએમટી) ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે, ચાલુ સ્થાનિક ક્ષમતા વિસ્તરણ કાર્યક્રમ, વધતો આંતરરાષ્ટ્રીય વ્યવસાય અને ઝડપથી વિસ્તરતા લોજીસ્ટીક્સ નેટવર્ક સાથે,એપીએસઇઝેડ વધુ વૈવિધ્યસભર, મજબૂત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પરિવહન પ્લેટફોર્મ બનાવી રહ્યું છે જે લાંબા ગાળાના મૂલ્ય સર્જન માટે સક્ષમ હશે. ૧૦ ટકાથી વધુ નફામાં વધારો થવા છતાં, અદાણી પોર્ટ્સના શેરમાં આજે તીવ્ર ઘટાડો જાવા મળી રહ્યો છે.






































