છેલ્લા ૨૪ કલાકમાં આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ સાત લોકોના મોત થયા છે. આસામમાં ૩.૩૨ લાખ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. અધિકારીઓએ જણાવ્યું કે આસામમાં ચોમાસા દરમિયાન પૂરમાં અત્યાર સુધીમાં ૭૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આસામ સરકારે મૃતકોના પરિવારોને આપવામાં આવતી સહાય રકમ વધારીને ૯ લાખ કરી છે અને વળતર મેળવવાના નિયમોમાં પણ છૂટછાટ આપી છે.
આસામના અધિકારીઓએ જણાવ્યું હતું કે શિવસાગર, ગોલાઘાટ, જારહાટ, ચરાઈદેવ, નાગાંવ, સોનિતપુર અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત ૭ જિલ્લાઓ હજુ પણ પૂરની ઝપેટમાં છે. ૨૧ મહેસૂલ વિભાગો અને ૬૨૨ ગામો પ્રભાવિત થયા છે. પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ૩.૩૨ લાખ સુધી પહોંચી ગઈ છે.
એ નોંધવું જાઈએ કે આસામનો ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જેમાં ૧.૪૨ લાખ લોકો પ્રભાવિત થયા છે. ત્યારબાદ શિવસાગર ૯૭,૦૭૪ લોકો સાથે અને જારહાટ ૫૭,૩૭૧ લોકો સાથે આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા મંગળવારે શિવસાગર જિલ્લાના નઝીરા મહેસૂલ વર્તુળમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વર્ષે આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક ૭૫ પર પહોંચી ગયો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૮૧ રાહત શિબિરો કાર્યરત છે, જ્યાં ૩૨,૪૭૭ વિસ્થાપિત લોકો પહોંચ્યા છે. આ ઉપરાંત, ૩૪ રાહત સામગ્રી વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે. સેના, ભારતીય વાયુસેના, ફાયર વિભાગ, કટોકટી સેવાઓ અને સ્વયંસેવકો સહિત અનેક એજન્સીઓ સતત બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
આસામના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ૪૫,૩૪૧ હેક્ટર જમીન પરનો પાક ડૂબી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરગ્રસ્ત શિવસાગર જિલ્લામાં મોબાઇલ ફોન કનેકટીવિટી જાળવવા માટે ‘ઇન્ટ્રા-સર્કલ રોમિંગ’ સુવિધા ૩૦ જુલાઈ રાત્રે ૧૧ઃ૫૯ વાગ્યા સુધી અથવા આગળની સૂચના સુધી લંબાવવામાં આવી છે.
આ દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવા માટે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસામના વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ભયાનક તસવીરો સામે આવી છે, જેમાં લોકો ખભા પર સાયકલ અને પાણીમાં ડૂબેલી કાર લઈ જતા દેખાય છે.








































