રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવા તેમજ હાર્દિક રાબડીયા નામના વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકામાં દબાણ હટાવ શાખામાં ઈ.આર. ઓ. તરીકે ફરજ બજાવનારા ૫૩ વર્ષીય દિગ્વીજયસિંહ જાડેજા દ્વારા રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૨૨૧, ૧૨૧ (૧), ૩(૫) સહિતની કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં દિગ્વીજયસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ૩૧ માર્ચ ૨૦૨૬ મંગળવારના રોજ પોતે પોતાના અન્ય કર્મચારીઓ સાથે દબાણ હટાવ કામગીરી અનુસંધાને વોર્ડ નંબર ૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮ સહિતના વિસ્તારમાં ફિલ્ડ વર્કમાં હતા. દરમિયાન કુવાડવા રોડ પરથી પસાર થતા ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર આમ આદમી પાર્ટીના મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડનારા ચાર ઉમેદવારોના પ્રચાર લક્ષી બોર્ડ લગાવવામાં આવેલા હતા. દરમિયાન દબાણ હટાવ શાખાના કર્મચારીઓ દ્વારા બોર્ડ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમે રજાના દિવસે કેમ બોર્ડ હટાવી રહ્યા છો? બોર્ડ હટાવવાની કામગીરી બંધ કરો. એક વ્યક્તિએ પોતાની ઓળખાણ વોર્ડ નંબર ચારના ઉમેદવાર તરીકે રાહુલ ભુવા તેમજ અન્ય વ્યક્તિએ પોતાની ઓળખાણ હાર્દિક રાબડીયા તરીકે આપી હતી.
આ દરમિયાન રાહુલ ભુવા અચાનક ઉશ્કેરાઈ ગયા હતા તેમજ દબાણ હટાવ શાખાના કર્મચારીઓને ધક્કો મારવા લાગ્યા હતા. તેમજ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ પણ કરવા લાગ્યા હતા. તેમજ દબાણ હટાવ શાખા દ્વારા એકત્રિત કરવામાં આવેલા બોર્ડ પણ બોલેરો ગાડીમાંથી બહાર કાઢવા લાગ્યા હતા. દરમિયાન પોલીસને ફોન કરવામાં આવતા બંને વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયા હતા.







































