અમરેલી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાવરકુંડલા શહેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે બાતમીના આધારે રેઈડ પાડી મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્‌યા હતા. સાવરકુંડલામાં કેટલાક ઇસમો જાહેરમાં એકઠા થઈ જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેઈડ કરતા ચંપુભાઇ કથુભાઇ સાંડસુર, જયરાજભાઇ ભનુભાઇ વીંછીયા, યોગેશભાઇ પ્રવિણભાઇ ખુમાણ, વનરાજભાઇ મનુભાઇ ચાંદુ તથા સુરેશભાઇ ભીમભાઇ માંજરીયા ગંજીપત્તાના પાના વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે રોકડ રકમઃ રૂ. ૪૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જાહેરમાં જુગાર રમી રહેલા આ શખ્સોને પકડી પાડી પોલીસે અસમાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.