અમદાવાદશહેરના બોપલ વિસ્તારમાં સ્પાથી ઓપરેટ થતું ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું છે. સ્પામાં કામ કરતી એક મહિલા સ્ડ્ઢ ડ્રગ્સ મેળવી તેના સાથીદારો સાથે મળી બોપલ અને સાણંદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ કરતી હતી. જેથી બાતમીના આધારે સાણંદ પોલીસે રેડ કરી એક મહિલા સહિત ચારની ધરપકડ કરી બે લાખથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું. આ ડ્રગ રેકેટના તાર મુંબઈ અને રાજસ્થાન સુધી પહોંચતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સાણંદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ ધવલ ઉર્ફે લવલી દરજી, ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ, વિકી ઠાકોર અને જય પટેલ હોવાનું સામે આવ્યું છે. આ ચારે આરોપીઓ એકબીજા સાથે જાડાઈ સાણંદ અને બોપલના આસપાસના વિસ્તારમાં ડ્રગનું છૂટક વેચાણ કરતા હતા.
આરોપી ધવલ પોતાની કાપડની દુકાનમાં ડ્રગ્સનો જથ્થો છુપાવી છૂટક વેચાણ કરતો હતો. અને ધવલને ડ્રગ ફીઝા મુસ્કાન પઠાણ સપ્લાય કરતી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી આ ડ્રગ્સનો વેપલો ચલાવતા હતા જેની માહિતી સાણંદ પોલીસને મળતા પોલીસે રેડ કરી તમામની ધરપકડ કરી ૨.૧૪ લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે.