લીલીયા મોટામાં અમરેલી રોડ પર ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલો જાહેર બગીચો હાલ તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. બગીચાના મુખ્ય દરવાજા પર તાળાં લટકતા હોવાથી સામાન્ય નાગરિકો, બાળકો અને મહિલાઓ આ સુવિધાથી વંચિત રહ્યા છે, જ્યારે બીજી તરફ અસામાજિક તત્વોનો અહીં જમાવડો વધી રહ્યો છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, અસામાજિક તત્વોએ ફેન્સિંગના તાર તોડીને અંદર અડ્ડો જમાવ્યો છે. બગીચામાં મુકાયેલા બાકડાંની તોડફોડ કરવા સાથે અનેક કિંમતી
વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. સ્થળ પરથી નશાકારક પદાર્થોની ખાલી બોટલો મળી આવતાં આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓની આશંકા વધી ગઈ છે.આટલી મોટી માત્રામાં સરકારી મિલકતને નુકસાન થવા છતાં પંચાયત તંત્ર મૌન સેવી રહ્યું છે. સ્થાનિક અગ્રણી ઈમરાન પઠાણ અને નાગરિકોએ બગીચાનું તાત્કાલિક સમારકામ કરાવી, સુરક્ષા આપીને તેને ફરીથી જનતા માટે ખુલ્લો મૂકવા માંગ કરી છે.