એસજીવીપી ગુરુકુળના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સ્વામી બાલકૃષ્ણદાસજીની પાવન ઉપસ્થિતિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિન નિમિત્તે વિશેષ પૂજન અને મહાઆરતીનું મંગળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુળના સેંકડો વિદ્યાર્થીઓ અને ભક્તોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના નિરામય અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર હિતેશ બારોટ, ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ, ભાજપ શહેર મહામંત્રી દર્શક ઠાકર સહિતના આગેવાનો પોતાના સાથીદારો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને દેશની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.










































