ઉનાના ઉપલા રહીમનગર વિસ્તારમાં વર્ષોથી ગટર અને ગંદા પાણીના નિકાલની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન હતા. આ અંગે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ નગરપાલિકા સભ્ય વિનોદભાઈ બાંભણિયાનું ધ્યાન દોરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે નગરપાલિકાના અધિકારીઓની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ચીફ ઓફિસરની આગેવાની હેઠળ ઇમરજન્સી ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટર કમલેશભાઈ સહિતની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ત્નઝ્રમ્ મશીન તથા કર્મચારીઓની મદદથી જરૂરી સ્થળે પાઇપલાઇન ફિટ કરી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામગીરીથી સ્થાનિકોને વર્ષોથી સતાવતી ગટર સમસ્યામાં રાહત મળી છે. દિવાળી બાદ સમગ્ર ઉપલા રહીમનગર વિસ્તારને ભૂગર્ભ ગટર યોજનામાં આવરી લેવા જરૂરી કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.










































