સુરત શહેરમાં નશાના કારોબારને ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમે મોટી કાર્યવાહી કરી છે. ફૂલવાડી વિસ્તારમાં આવેલા રેલ રાહત કોલોનીના એક મકાનમાં દરોડો પાડી પોલીસે ૨.૦૬૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ૨૩ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી કુલ રૂ.૧,૦૩,૨૫૦ની કિંમતનો ગાંજા કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પકડાયેલો આરોપી અરબાઝ હુશૈન નિમાઝુદ્દીન અંસારી અગાઉ સંચા ખાતામાં નોકરી કરતો હતો. આ દરમિયાન તેની સાથે કામ કરતા ઓરિસ્સાના કારીગરો સાથે ગાંજા પીવાની બાબતે તેને આદત પડી હતી. જોકે, થોડા સમય પહેલાં તેની નોકરી છૂટી જતાં આવકનો રસ્તો બંધ થયો હતો. ત્યારબાદ સરળતાથી પૈસા કમાઈ શકાય તેવા વિચાર સાથે તેણે ગાંજાના ગેરકાયદે વેપારમાં ઝંપલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી બાતમી અને સૂચનાના આધારે અલગ-અલગ ટીમો બનાવી નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી કરતા શખ્સો પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ ફૂલવાડી ભરીમાતા રોડ પર સુલેમાની મસ્જીદ પાસે આવેલી રેલ રાહત કોલોનીના પ્લોટ નંબર ૨૬૧ના પહેલા માળે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં રહેતા ૨૩ વર્ષીય અરબાઝ હુશૈન નિમાઝુદ્દીન અંસારીને પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસમાં અરબાઝ અંસારી બિહારના સારણ જિલ્લાના પાનાપુરનો વતની હોવાનું સામે આવ્યું છે.
પોલીસે દરોડા દરમિયાન આરોપી પાસેથી ૨.૦૬૫ કિલોગ્રામ ગાંજા મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.૧,૦૩,૨૫૦ થાય છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮, ૨૦ અને ૨૯ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, ત્યારે આગળની તપાસમાં ગાંજા ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને વેચવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. ચોકબજાર પોલીસની આ કામગીરીથી શહેરમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે.








































