અમરેલી નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત જેસીંગપરા શિવાજી ચોક ખાતે આવેલી પટેલ વાડીમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ હતી. શિબિરમાં સફાઈ કામદારો અને તેમના પરિવારજનો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પણ સ્થળ પર આપવામાં આવ્યું હતું. સફાઈ મિત્રો શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાથી તેમની કામગીરી દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સુરક્ષા સાધનોના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય, હોદ્દેદાર વિજયભાઈ ચોટલીયા સહિત નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.