અમરેલી ગજેરા કેમ્પસ સંચાલિત હોસ્ટેલમાં રહેતા ધોરણ-૯ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગાવડકા ખાતે આવેલ સન સોલાર પ્રા.લી. કંપનીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્ટેલમાં કુલ ૧૩૪ વિદ્યાર્થીઓમાંથી મુલાકાતના દિવસે હાજર રહેલા ૧૨૫ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સન સોલાર પ્રા.લી. કંપની સુધી લઈ જવા માટે સંસ્થા દ્વારા કુલ ત્રણ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બસમાં વિદ્યાર્થીઓની સાથે સ્ટાફ સભ્યોને પણ ફરજ પર મુકવામાં આવ્યા હતા, જેથી સમગ્ર મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે.બસ નંબર-૧માં હિતેશભાઈ આગોલા, બસ નંબર-૨માં હર્ષદભાઈ ભૂંગાણી અને બસ નંબર-૩માં યશરાજભાઈ માંજરીયાએ વિદ્યાર્થીઓની જવાબદારી સંભાળી હતી.
સંસ્થા તરફથી તમામ સંબંધિત સ્ટાફ સભ્યોને અગાઉથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નિર્ધારિત સમય પહેલાં વિદ્યાર્થીઓ સાથે જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરી સમયસર સ્થળ પર ઉપસ્થિત રહેવા માટે સ્ટાફને જણાવવામાં આવ્યું હતું, જેથી ઔદ્યોગિક મુલાકાતના કાર્યક્રમ દરમિયાન કોઈ પ્રકારની અગવડ ઊભી ન થાય.ગાવડકા ખાતે આવેલી સન સોલાર પ્રા.લી. કંપનીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સોલાર ઊર્જા અંગે પ્રાથમિક અને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.સન સોલાર પ્રા.લી. પ્લાન્ટમાં સૂર્યપ્રકાશમાંથી વીજળી કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, સોલાર પેનલ કેવી રીતે કાર્ય કરે છે તેમજ સોલાર ઊર્જાના ઉપયોગ અને તેના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓએ પણ સોલાર કંપનીની કામગીરીને નજીકથી નિહાળી રસપૂર્વક માહિતી મેળવી હતી.આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત વાસ્તવિક ઔદ્યોગિક પ્રક્રિયાને સમજવાની તક મળી હતી. ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ સોલાર કંપનીની મુલાકાત લઈ અભિભૂત થયા હતા અને સોલાર ઊર્જા કેવી રીતે કાર્ય કરે છે તેની ઉપયોગી માહિતી મેળવી હતી.