‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર-ગઢની રાંગથી પાણી દરવાજા અને સ્વામીનારાયણ મંદિર વિસ્તાર સુધી મહા સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા, અતુલ કાનાણી સહિતના અગ્રણીઓએ સાવરણા હાથમાં લઈ શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ શહેર અને જિલ્લામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. સ્વચ્છતા અને આરોગ્ય એકબીજા સાથે સીધા સંકળાયેલા હોવાથી નાગરિકોને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ઘર, ઓફિસ અને દુકાનનો કચરો જાહેરમાં ન ફેંકી કચરા કલેક્શન વાહન અથવા કચરાપેટીમાં નાખવા અનુરોધ કરાયો હતો. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને અમરેલીને સ્વચ્છ તથા પ્લાસ્ટિકમુક્ત બનાવવા લોકભાગીદારી માટે આહવાન કરવામાં આવ્યું હતું.






































