રાજુલાના કોવાયા ગામે મોટાભાઈએ કરેલા મૈત્રી કરારના મનદુઃખમાં નાનાભાઈને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમની કારમાં રૂ. ૨૫,૦૦૦નું નુકસાન કર્યું હતું.બનાવ સંદર્ભે રાણાભાઈ (ઉર્ફે આતુભાઈ) સાવજભાઈ લાખણોત્રા (ઉં.વ.૨૬)એ ખાંભાના સમઢીયાળા ગામે રહેતા ગૌતમભાઈ સુખાભાઈ વાઘ, ભાવિનભાઈ સુખાભાઈ વાઘ તેમજ કોવાયા ગામના ભરતભાઈ દુલાભાઈ લાખણોત્રા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, રાણાભાઈના સગા મોટાભાઈ જીલુભાઈએ ગૌતમભાઈ તથા ભાવિનભાઈની સગી બહેન (જે ભરતભાઈના ફોઈની દીકરી થાય છે) સાથે આશરે બે મહિના પહેલાં મૈત્રી કરાર કર્યા હતા. જે વાતનું ત્રણેય આરોપીઓએ મનદુઃખ રાખીને રાણાભાઈની ફોર-વ્હીલ ગાડી રોકીને રસ્તો રોક્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઉપરાંત આરોપીઓએ ગાડીના ડ્રાઇવર સાઇડના બંને કાચ તથા પાછળનો કાચ કુહાડી વડે તોડી નાખી આશરે રૂ. ૨૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એસ. બાંભણીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.