વડિયા ખાતે DYSP ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં ગ્રામજનોને વધતા જતા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન નાણાકીય ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા.વડિયા-કુંકાવાવ તાલુકાના ૪૫ જેટલા ગામોમાં સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ પૂર્ણ થતાં DYSP ચિરાગ દેસાઈએ વડિયા પોલીસ સ્ટેશનના PI પી.ડી. ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે CCTV કેમેરાથી ગુનાખોરી પર અંકુશ મેળવવા તેમજ ચોરી સહિતના બનાવો ઉકેલવામાં મદદ મળે છે. લોક દરબારમાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, ગ્રામ આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ચિરાગ દેસાઈએ વાહનચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં ગંભીર ઈજા અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. માથાની ઈજાથી થતા મૃત્યુ અટકાવવા હેલ્મેટ જીવનરક્ષક સાબિત થાય છે.