પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવા અંગે સમજાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના ગ્રાહકોના જણાવ્યા મુજબ, વીજળીની ફરિયાદ નોંધાવવામાં આવે ત્યારે કેટલાક કિસ્સામાં ફરિયાદના નિરાકરણ સાથે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા પણ ફરજિયાત હોવાનું જણાવવામાં આવે છે. મીટર લગાવતી વખતે તેના ફાયદા, મોબાઈલ એપ્લિકેશન તથા ઉપયોગ અંગે સમજ આપવામાં આવે છે. પરંતુ મીટર લગાવ્યા બાદ એપ્લિકેશન શરૂ ન થાય, ઉપયોગ સમજાતો ન હોય અથવા અન્ય ટેકનિકલ સમસ્યા સર્જાય ત્યારે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે સર્વિસ માટે મર્યાદિત માણસો હોવાના કારણે ફરિયાદ કર્યા બાદ પણ તાત્કાલિક સેવા મળતી નથી અને દિવસો સુધી રાહ જોવી પડે છે. ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવતી વખતે જો માર્ગદર્શન આપવાની જવાબદારી લેવામાં આવે છે, તો મીટર લગાવ્યા બાદ ઊભી થતી સમસ્યાઓના નિરાકરણની જવાબદારી પણ સ્પષ્ટ હોવી જોઈએ. ગ્રાહકોને સમયસર સેવા મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.