સાવરકુંડલાના વિજપડી ગામની સીમમાં આવેલા ઉગતાપોરના મેલડી માતાના ધામમાંથી ૯૫ છત્રની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. છગનભાઈ ટપુભાઈ વાળા (ઉં.વ. ૫૯)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ઉગતાપોરના મેલડી માતાના ધામમાં સેવા-પૂજા કરે છે. ગત તા. ૧૬/૦૯/૨૦૨૬ના રોજ બપોરે જમીને મંદિર પાસે આવેલી ઓરડીમાં સૂતા હતા, તે દરમિયાન બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ૩૦ થી ૩૫ વર્ષના એક અજાણ્યા ઇસમે ખુલ્લા મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેણે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોએ ચડાવેલા ચાંદીના નાના-મોટા ૯૫ છત્રની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. પી. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































