એક હતું નાનું ગલૂડિયું. તેનું નામ હતું ગલુ. ગલુ ખૂબ જ મસ્તીખોર અને રમતિયાળ હતું. તેને આખો દિવસ દોડવું, કૂદવું અને રમવું બહુ ગમતું.
એક દિવસ ગલુ ફરતું ફરતું વાડીએ જઈ ચડ્યું. ત્યાં તેણે એક મોટું સફરજનનું ઝાડ જોયું.
ઝાડ પર લાલચટક, ચમકદાર સફરજન લટકતાં હતાં. મસ્ત મજાનાં સફરજન જોઈ ગલુના મોઢામાં પાણી આવી ગયું.
“વાહ! કેટલાં સરસ સફરજન! આજે તો હું ધરાઈ ધરાઈને સફરજન ખાઈશ!” ગલુ બોલ્યું.
ગલુ ઝાડની નીચે ઊભું રહ્યું. તેણે ઉપર જોયું. પણ સફરજન તો ઘણાં ઊંચે હતાં.
ગલુએ બે પગ પર ઊભા થઈને સફરજન સુધી પહોંચવા પ્રયત્ન કર્યો.
“હું… હમ્મ… થોડું જ બાકી છે!”
તે કૂદ્યું – ટપ્પ!
“અરે બાપ રે!” ગલુ હસતાં બોલ્યું.
તેણે ફરી કૂદકો માર્યો.
ટપ્પ! ટપ્પ! ટપ્પ!
પણ સફરજન હાથમાં ન આવ્યું તે ન જ આવ્યું. ગલુએ સફરજન નીચે પાડવા ઘણા પ્રયત્નો કર્યા; પથ્થર ફેંક્યો, લાકડી ફેંકી અને ઊંચા ઊંચા કૂદકા પણ મારી જોયા. પણ સફરજન ન મળ્યું તે ન જ
આભાર – નિહારીકા રવિયા મળ્યું.
ગલુએ માથું ખંજવાળ્યું.
“હવે શું કરું?”
અચાનક તેને પોતાના મિત્ર અપ્પુરાજા હાથીની યાદ આવી. તેણે વિચાર્યું, ‘મારો મિત્ર અપ્પુ જરૂર મને મદદરૂપ થશે!’
ગલુએ તરત પોતાનો ફોન કાઢ્યો.
ટ્રીન… ટ્રીન…
“હેલો! બોલ ગલુ!” – સામેથી અપ્પુરાજાનો મીઠો અવાજ આવ્યો.
ગલુ બોલ્યું, “અપ્પુરાજા! તું ક્યાં છે? મારે તારી મદદની જરૂર છે.”
“મિત્ર ગલુ, શું થયું? બોલ, હું તને શું મદદ કરી શકું?”
“મારે સફરજન ખાવું છે. પણ સફરજન ઝાડ પર બહુ ઊંચે છે. મેં ઘણાય પ્રયત્ન કર્યા, પણ સફરજન સુધી પહોંચાતું જ નથી!”
અપ્પુરાજા હસ્યો બોલ્યો, “અરે ગલુ! બસ આટલી જ વાત! તું જરાય ચિંતા ન કરીશ. હું હમણાં જ આવ્યો અને તને સફરજન પાડી આપું છું.”
થોડી જ વારમાં અપ્પુરાજા ત્યાં આવી પહોંચ્યો.
“હેલો ગલુ! ક્યાં છે સફરજન?”
ગલુએ ઉપર સફરજન બતાવતાં કહ્યું, “જોપ પેપલાં રહ્યાં!”
અપ્પુરાજાએ પોતાની લાંબી સૂંઢ ઊંચી કરી. એની લાંબી સૂંઢ સફરજન સુધી પહોંચી ગઈ. અપ્પુરાજાએ ધીમેથી સફરજન પકડી લીધું.
ટપાક!
સફરજન નીચે આવી ગયું.
ગલુ તો ખુશ થઈ ગયું.
“વાહ! અપ્પુરાજા, તે તો કમાલ કરી!”
ગલુએ સફરજન હાથમાં લીધું અને ખુશીથી નાચવા લાગ્યું.
અપ્પુરાજા પણ હસવા લાગ્યો.
ગલુએ તરત સફરજન ખાવાનું શરૂ કર્યું.
કર્રર્ર…
“વાહ! કેટલું મીઠું!”
પછી ગલુએ એક સફરજન અપ્પુરાજાને પણ આપ્યું.
“આ તમારા માટે.”
બંને મિત્રોએ પેટ ભરીને સફરજન ખાધાં.










































