સાવરકુંડલાના બાયપાસ માર્ગ પર વિકસિત કરવામાં આવેલું અમૃત સરોવર હવે ‘પંપા સરોવર’ તરીકે ઓળખાશે. ધારાસભ્ય મહેશ કસવાલાના સતત પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ સરોવરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આશરે રૂ. ૬ કરોડના ખર્ચે વિકસિત થનારું આ સ્થળ ભક્તિ, ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને આધુનિક વિકાસનો અનોખો સંગમ બનશે. વિકાસના બીજા તબક્કામાં બાળકો માટે આકર્ષક ચિલ્ડ્રન પાર્ક, હરિયાળી અને વૃક્ષારોપણ સહિતની કામગીરી કરવામાં આવશે. પરિવારજનો માટે વિવિધ સુવિધાઓ અને મનોરંજનની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે. સરોવરના મધ્યમાં ભગવાન રામ, લક્ષ્મણજી અને માતા શબરીના દિવ્ય મિલનની ભવ્ય પ્રતિકૃતિ સ્થાપિત કરવાની યોજના છે. નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયાએ જણાવ્યું હતું કે, રામાયણના પ્રસંગ સાથે જોડાણને પગલે અમૃત સરોવરનું નામ ‘પંપા સરોવર’ રાખવામાં આવશે.










































