અમરેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીની યોજનાઓ, જલ જીવન મિશન સહિતની વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં કુલ ૮૨૬ આંતરિક પીવાના પાણીની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જેમાંથી ૮૨૨ યોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે ૪ યોજનાઓ હાલ પ્રગતિ હેઠળ છે. આ યોજનાઓ સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. લાઠી તાલુકાના કેરાળા અને ખાંભા તાલુકાના કોદિયા ગામની પીવાના પાણીની યોજનાઓને મંજૂરી માટે ગાંધીનગરની વાસ્મો કચેરી ખાતે મોકલવા મંજૂરી આપવામાં આવી હતી. મોટા આંકડિયા, જુના સાવર અને આદસંગ ગામના હયાત બોર પર પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવાની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી હતી. જર્જરિત પાણીની ટાંકીઓ તોડી પાડવા તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા સૂચના અપાઈ હતી. જલ જીવન મિશન હેઠળ ૫૫૪ ગામનું જલ આકલન પૂર્ણ કરી DIP-JJM માં સબમિટ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.









































