જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર ગામમાંથી નકલી દૂધ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જના આઈજી અને આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની સૂચના બાદ પોલીસની ટીમોએ હરિપર ગામમાં વિવિધ ડેરીઓ અને શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કાર્યવાહીમાં આશરે ૭,૧૫૦ લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા તેને જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસને હરિપર ગામમાં મોટા પાયે ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. આ દૂધ તૈયાર કરવા માટે વનસ્પતિ ઘી, પાવડર અને પાણી સહિતના પદાર્થોનો ઉપયોગ થતો હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે રાજકોટ પોલીસની ટીમે હરિપર ગામની વિવિધ ડેરીઓ તેમજ શંકાસ્પદ રહેણાક મકાનોમાં એકસાથે દરોડા પાડ્યા હતા.
પોલીસની કાર્યવાહીમાં સ્થળ પરથી આશરે ૭,૧૫૦ લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો. મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં દૂધમાં વનસ્પતિ ઘી, પાવડર અને પાણી જેવા પદાર્થોનો ઉપયોગ કરીને ભેળસેળ કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. જોકે જપ્ત કરાયેલા દૂધમાં કયા પદાર્થોનું પ્રમાણ છે અને તે ખાદ્ય ધોરણોને અનુરૂપ છે કે નહીં તે અંગેનો અંતિમ ખુલાસો સેમ્પલના પરીક્ષણ બાદ થશે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ તૈયાર કરવામાં આવતું શંકાસ્પદ દૂધ જામનગર અને આસપાસના વિસ્તારોમાં દૂધ તરીકે સપ્લાય કરવામાં આવતું હોવાની શંકા છે. સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને દૂધ ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવતું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ દૂધના સેમ્પલ પરીક્ષણ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ દૂધની ગુણવત્તા અને તેમાં થયેલી સંભવિત ભેળસેળ અંગે વધુ સ્પષ્ટતા થશે. જો તપાસમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ સાબિત થશે તો સંબંધિત શખ્સો સામે નિયમ મુજબ વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાત પ્રવાસ
મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ ઝડપાતા પોલીસની કાર્યવાહીથી નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ સામે પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી રહી છે. હાલ હરિપર ગામમાં ઝડપાયેલા આ કથિત નકલી દૂધના કૌભાંડની તપાસ ચાલુ છે. સેમ્પલ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સમગ્ર મામલામાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.