હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ ધાબડીયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. વહેલી સવારે અમરેલી સહિત વિવિધ તાલુકોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો . જો કે બપોર સુધીમાં અમરેલી જિલ્લામાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે મગફળી,કપાસ,સોયાબીન જેવા પાકને ફાયદો થયો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. જયારે ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ પાસે આવેલી રાયડી સિંચાઈ યોજનાના જળાશયનો એક દરવાજો ૦.૦૭૫ મીટર (ત્રણ ઇંચ) ખોલવામાં આવ્યો છે. આ નિર્ણય જળાશયમાં નિર્ધારિત સપાટી જાળવવા માટે ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે લેવાયો હતો. દરવાજો ખોલવામાં આવતા આશરે ૧૯૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં કે કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.








































