માણસા તાલુકાના રીદ્રોલ ગામની આશરે ૧૫ વર્ષની સગીરા સાથે આજાલ ગામમાં રહેતા મૂળ રાજસ્થાની યુવકે ઇન્સ્ટાગ્રામથી સંપર્ક સાધ્યો હતો. લગ્નની લાલચ આપીને યુવક સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માણસા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આજે ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા અને ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા રીદ્રોલ ગામની આશરે ૧૫ વર્ષની સગીરા સાથે આજાલ ગામમાં રહેતા યુવક દિલીપ રાજુભાઈ મીણાએ ઇન્સ્ટાગ્રામથી સંપર્ક સાધ્યો હતો. થોડો સમય સુધી બંને વચ્ચે વાતચીત ચાલી હતી. બાદમાં એક દિવસ સગીરા તેની માતાને પડીકું લેવા જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. લાંબો સમય થવા છતાં દીકરી ઘરે ન આવતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. શોધખોળ બાદ દીકરી ન મળતા આખરે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા આજાલ ગામમાં રહેતા મૂળ રાજસ્થાની યુવક દિલીપ રાજુભાઈ મીણા સાથે ભાગી ગઈ છે.
માણસા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા બંનેને શોધી લેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હવસખોરો નાની બાળકીઓની ભોળપણનો લાભ લઈ રહ્યા છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જાઈએ તો જ આ પ્રકારના બનાવો સમાજમાંથી ઓછા થશે.વકીલની દલીલોના આધારે જજ એસ.વી. શર્માએ આરોપી દિલીપ રાજુભાઈ મીણાને ૨૦ વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.









































