ગાંધીનગર અને મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શેરબજારમાં રોકાણના નામે બનાવટી એજન્ટ બની ભોળા નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી કુખ્યાત સેધાજી ગેંગ સામે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.રાજ્યમાં પ્રથમ વખત શેરબજાર અને સાયબર ફ્રોડ આચરતી સંગઠિત ગુનાહિત ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરિઝમ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવતાં ગુનેગારોમાં ભારે ફફડાટ જાવા મળ્યો છે.ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ૧૦ જેટલા ગંભીર ગુનાઓની તપાસ દરમિયાન પોલીસને ભાડેથી લીધેલા ૯૨થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા હતા. નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પરથી મળેલી માહિતી અનુસાર આ ખાતાઓ સામે સમગ્ર ભારતમાંથી ૧૪૭ જેટલી ફરિયાદો નોંધાઈ હતી. આ ખાતાઓમાં આશરે ૨૫૯ કરોડ રૂપિયાના ક્રેડિટ-ડેબિટ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે આવકવેરા વિભાગ, જીએસટી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ વધુ તપાસ માટે અહેવાલ સોંપવામાં આવ્યો છે.
એસઆઇટીની તપાસમાં જાણવા મળ્યું કે, આ ગેંગના મુખ્ય સૂત્રધાર સેધાજી ઉર્ફે પ્રકાશ જેસંગજી ઠાકોર અને તેના સાગરિતોએ સંગઠિત રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ તેમજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં રોકાણ કરાવવાના નામે લોકોને છેતર્યા હતા. તેઓએ સેબીનું કોઈ લાઇસન્સ ન હોવા છતાં માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઊંચા વળતરની લાલચ બતાવી, લોકો પાસેથી ઓનલાઇન પૈસા મેળવ્યા હતા.સેધાજી ઉર્ફે પ્રકાશ ઠાકોર અને તેના સાગરિતો સામે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુજકોટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી સેધાજી ઠાકોરને પકડવા પોલીસની ટીમો તલાશમાં છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.સાત આરોપીઓ સામે ગુજકોટોક ગુનો નોંધાયોઃ સેધાજી ઉર્ફે પ્રકાશ જેસંગજી ઠાકોર (રહે. કંકુપુરા, ગોઠવા, તા. વિસનગર, જિ. મહેસાણા – ગેંગ લીડર)
મીત પ્રકાશભાઈ રાવળ (રહે. રોયલ પેલેસ સોસાયટી, વડનગર, જિ. મહેસાણા)
ગુણવંત ઉર્ફે લાલો અમૃતભાઈ પટેલ (રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા)
લવેશ જીકેશભાઈ પટેલ (રહે. ઘાંસકોલ દરવાજા, વડનગર, જિ. મહેસાણા)
એન્જલ નટવરભાઈ પટેલ (રહે. રામબાગ કોલોની, ઊંઝા, જિ. મહેસાણા)
જીતેન્દ્રકુમાર નટવરલાલ પટેલ (રહે. બહારનો માઢ, ઊંઝા, જિ. મહેસાણા)
મૌલિકસિંહ માનસિંહ ચાવડા (રહે. નવા ગામ, તા. તલોદ, જિ. સાબરકાંઠા)
આરોપીઓની કરોડો રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવશે.








































