સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના દસાડા તાલુકામાં સૌથી વધુ ૪૨ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે લખતર તાલુકામાં ૧૯ મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
વહેલી સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદના સત્તાવાર આંકડા મુજબ વઢવાણમાં ૧૦ મીમી, ચુડામાં ૭ મીમી, લીંબડીમાં ૬ મીમી અને ધ્રાંગધ્રામાં ૨ મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે, કારણ કે ખેતી માટે ભેજનું પ્રમાણ વધ્યું છે.ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીના કુલ વરસાદ ના આંકડા મુજબ લીંબડી તાલુકામાં સૌથી વધુ ૨૫૮ મીમી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ દસાડામાં ૨૧૪ મીમી, સાયલામાં ૨૧૩ મીમી અને ચુડામાં ૨૦૭ મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ, જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં માત્ર ૮૧ મીમી અને થાનગઢ તાલુકામાં ૮૫ મીમી નોંધાયો છે. ઉપરાંત લખતરમાં ૧૯૬ મીમી, ચોટીલામાં ૧૫૯ મીમી, વઢવાણમાં ૧૪૮ મીમી અને મુળીમાં ૧૦૪ મીમી વરસાદ નોંધાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ચોમાસાના સરેરાશ વરસાદ ની વાત કરીએ તો અત્યાર સુધી જિલ્લામાં ૧૬૬.૫ મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા આ બદલાવથી તાપમાનમાં ઘટાડો થયો છે અને વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે.









































