અમરેલી પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરતાં શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા યુવરાજ ઉર્ફે શિવકુ બાબુભાઈ મકવાણા (ઉ.વ. ૨૫), રહેવાસી બાપુનગર, ચક્કરગઢ રોડ, અમરેલીને પાસા હેઠળ અટકાયત કરી કચ્છ-ભુજની પાલરા સ્પેશિયલ જેલમાં મોકલી આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે પોલીસ દ્વારા રજૂ કરાયેલી પાસાની દરખાસ્ત મંજૂર કર્યા બાદ એલ.સી.બી. અને અમરેલી સિટી પોલીસની સંયુક્ત ટીમે પાસા વોરંટની અમલવારી કરી હતી. આરોપી સામે વર્ષ ૨૦૧૬થી ૨૦૨૬ દરમિયાન હત્યાના પ્રયાસ, મારામારી, સરકારી ફરજમાં અવરોધ, ધમકી, ચોરી સહિતના કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસના પ્રેસનોટમાં જણાવાયું છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસના અસામાજિક પ્રવૃત્તિઓ સામેના અભિયાનનો ભાગ હોવાનું જણાવાયું છે.