સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના સુધારેલા રૂટને આવકારતા ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરાએ અમરેલી જિલ્લાના ચાર પૈકી ઓછામાં ઓછા બે રેલવે સ્ટેશનો પર ટ્રેનને નિયમિત સ્ટોપેજ આપવા માંગ કરી છે. વંદે ભારત ટ્રેન લાઠી, ચિતલ, મોટી કુંકાવાવ અને વડિયા સ્ટેશનો પરથી પસાર થવાની હોવા છતાં એકપણ સ્ટેશનને સ્ટોપેજ મળ્યું નથી.
હિરપરાએ જણાવ્યું કે જિલ્લાના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, દર્દીઓ અને યાત્રિકોને આ આધુનિક રેલસેવાનો સીધો લાભ મળવો જોઈએ. તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરીને ભૌગોલિક સંતુલન, મુસાફરોની જરૂરિયાત અને ટેકનિકલ શક્યતાને ધ્યાનમાં રાખી બે સ્ટેશનો પર સ્ટોપેજ આપવા અપીલ કરી છે. આ અંગેની રજૂઆતની પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તેમજ અમરેલીના સાંસદ ભરત સુતરીયાને પણ કરવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના વેપાર, પ્રવાસન અને આર્થિક વિકાસને પણ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.










































