નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે અધિકારીઓના સરકારી બંગલાઓ સામે તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનોને લઈને શ્રી સરકાર થતાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે એક મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે આજે બીજા દિવસે વધુ ચાર મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન તંત્રનો મોટો કાફલો સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ૭ અધિકારીઓના મકાનો પૈકી ૫ મકાનો તોડવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ૨ અધિકારીઓ દ્વારા સ્ટે મેળવવામાં આવતા તેમના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તેથી હાલ પાંચ મકાનો સામે ડિમોલેશનની કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી રહી છે. કાર્યવાહી દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ ૨૦૧૯માં પ્લોટ ફાળવણી બાદ થઈ હતી. તે સમયે કુલ ૧૩ અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ લાખો રૂપિયાની લોન લઈને પોતાના મકાનોનું નિર્માણ કર્યું હતું. હવે આ મકાનો સામે ડિમોલેશનની કાર્યવાહી થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
ડિમોલેશન દરમિયાન અનેક અધિકારીઓ અને તેમના પરિવારજનો સ્થળ પર હાજર રહ્યા હતા. લાખો રૂપિયાની લોન લઈને બનાવેલા પાકા મકાનો તૂટતા પરિવારો માટે આ ભાવનાત્મક ક્ષણ બની હતી. તંત્ર દ્વારા અધિકારીઓના પરિવારની હાજરીમાં જ તૈયાર મકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
પ્રથમ દિવસે એક મકાન જમીનદોસ્ત કર્યા બાદ આજે બાકીના ચાર મકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા નિયમો મુજબ પૂર્ણ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે સ્ટે લાવનાર બે અધિકારીઓના મામલે આગામી સુનાવણી બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
નર્મદાના ગરુડેશ્વરમાં ચાલી રહેલી આ કાર્યવાહી હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. વર્ષ ૨૦૧૯માં ફાળવાયેલા પ્લોટ પર બનેલા મકાનો સામે હવે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ પાંચ મકાનો તોડવાની કામગીરી ચાલુ છે, જ્યારે બે અધિકારીઓના કેસમાં કોર્ટની સુનાવણી બાદ આગામી કાર્યવાહી નક્કી કરવામાં આવશે.