લાઠી તાલુકાના ભુરખીયા ગામે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામમાં અંદાજિત રૂ. ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુર્વેદિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વિધિવત રીતે સંપન્ન થયું હતું.આ હોસ્પિટલના નિર્માણથી ભુરખીયા સહિત આસપાસના ગામોના લોકોને આયુર્વેદ આધારિત ગુણવત્તાસભર સારવાર, આરોગ્ય માર્ગદર્શન અને વિવિધ સેવાઓ પોતાના વિસ્તારમાં જ નજીક ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડાઓમાં આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત કાર્યરત છે. ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો, પંચાયતના સભ્યો, પક્ષના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































