અમરેલી શહેરમાં અંદાજિત રૂપિયા ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજિસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી કચેરીઓ કાર્યરત થયા બાદ શહેરી, ગ્રામ્ય તથા જિલ્લાના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે અને એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. વર્તમાન સમયમાં વિવિધ વહીવટી સેવાઓ માટે નાગરિકોને અલગ-અલગ કચેરીઓમાં જવું પડતું હોય છે, જેના કારણે સમય અને શ્રમનો વ્યય થાય છે. આ નવા સંયુક્ત વહીવટી સંકુલના નિર્માણથી જમીનના દસ્તાવેજોની નોંધણી, આવક તથા જાતિના પ્રમાણપત્રો, મહેસૂલ સંબંધિત અરજીઓ, જમીનના રેકોર્ડ અને અન્ય વહીવટી કામગીરી માટે નાગરિકોને એક જ સ્થળે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. આ સુવિધાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, ખેડૂતો, વકીલો અને અરજદારોને વિવિધ કચેરીઓ વચ્ચે ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. જુદા-જુદા વિભાગોની સેવાઓ નજીકમાં ઉપલબ્ધ બનતાં વહીવટી કામગીરી વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે. આ સંકુલમાં પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પાર્કીંગ શેડ, હરિયાળું ગાર્ડન અને આધુનિક અગ્નિશમન વ્યવસ્થા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.








































