સાવરકુંડલા શહેરમાં “તું કેમ અમારી સામે જુએ છ”તેમ કહી એક યુવકનો કાંઠલો પકડી તેને ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેને છરીનો ઘા પણ ઝીંકાયો હતો. આ બનાવ અંગે આફતાબભાઇ આસિફભાઇ કુરેશી (ઉ.વ.૨૩) એ ફરદીનભાઇ કાસમભાઇ જીરુકા, નવાજ મહેબુબભાઇ સંધોડ, વસીમ મહેબુબભાઇ સંધોડ તથા જમાલભાઇ ગાહા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, વસીમ સંધોડે ફરિયાદીના નાના ભાઇને પાસે બોલાવી “તું કેમ અમારી સામે જુએ છે” તેમ કહી, જેમ ફાવે તેમ ગાળો આપી લાફો તેમજ પાટા માર્યા હતા. આ અંગે ભાઈએ આફતાબભાઈને જાણ કરતા, તેમણે આરોપીના કાકાને ફોન કરી રજૂઆત કરી હતી.ત્યારબાદ આફતાબભાઈ જ્યારે બજારમાં જતા હતા, ત્યારે ફરદીન જીરુકાએ તેમનો કાંઠલો પકડી એક લાફો માર્યો હતો અને બહેન-દીકરી સામે ગાળો આપી હતી. તેમજ હાથમાં રહેલા પંચનો એક ઘા ડાબા ખંભે હાંસડીના ભાગે માર્યો હતો. આ ઉપરાંત, હાથમાં રહેલી છરીનો એક ઘા ડાબા હાથના બાવડાના ભાગે મારી બે ટાંકા આવે તેવી ઇજા કરી હતી. આરોપીઓએ તેમને નીચે પછાડી દઇ શરીરે આડેધડ ઢીંકાપાટુનો માર મારી મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. આરોપીઓ જતાં-જતાં ફરિયાદી અને તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા હતા. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.