વૈશ્વિક મંચ પર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ભારતીય સહકારી ચળવળની ઐતિહાસિક સિિઓ તેમજ દેશના કરોડો ખેડૂતોના સશક્તિકરણ અને આર્થિક ઉત્થાનમાં ઇફકોની મહત્વની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન કૃષિ વિકાસ, ગ્રામીણ આજીવિકામાં સુધારો, સહકારિતા આધારિત વિકાસ મોડલ અને સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા થઈ હતી.
પર્યાવરણની સુરક્ષા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેતી ખર્ચ ઘટાડી વૈશ્વિક સ્તરે ક્રાંતિ સર્જનાર ઇફકોના નેનો યુરિયા અને અન્ય નેનો ટેકનોલોજી આધારિત ઉત્પાદનોના પ્રસાર અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. UNDP ના વરિષ્ઠ અધિકારીઓએ ભારતના આ ગ્રીન ટેકનોલોજી મોડલની મુક્ત કંઠે સરાહના કરી હતી. આ બેઠકમાં કૃષિ અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં ભવિષ્યની ભાગીદારી, ટેકનોલોજીના આદાન-પ્રદાન અને પરસ્પર સહયોગની સંભાવનાઓ પર પણ હકારાત્મક ચર્ચા થઈ હતી. આ આંતરરાષ્ટ્રીય બેઠકમાં શ્રી દિલીપ સંઘાણીની સાથે અગ્રણી સહકારી આગેવાનો સર્વશ્રી અશ્વિનભાઈ સાવલિયા, મનીષભાઈ સંઘાણી તેમજ તરુણ ભાર્ગવ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો હતો.