શહેરના નિકોલ વિસ્તારમાં પારિવારિક સંબંધોને લાંછન લગાડતો અને માનવતાને શરમાવે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા સમાન ગણાતી સાસુએ જ એક યુવક સાથે મળીને પોતાની સગીર વયની પુત્રવધૂ પર દુષ્કર્મ કરાવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે નિકોલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનની વતની એવી સગીરાના લગ્ન થયા બાદ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સાસરીના ઘરમાં રહેવા આવી ગઈ હતી. શરૂઆતના કેટલાક મહિના સુધી બધુ સામાન્ય ચાલતું હતું. જોકે, ગત ૭ મેના રોજ બપોરના સમયે સગીરા ઘરમાં આરામ કરી રહી હતી, જ્યારે તેનો પતિ અને સસરા કામકાજ માટે બહાર ગયા હતા. આ દરમિયાન સાસુએ એક યુવકને ઘરે બોલાવ્યો હતો. ફરિયાદ મુજબ, સાસુ અને યુવકે મળીને સગીરાનો હાથ પકડી રાખ્યો હતો અને ત્યારબાદ યુવકે તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આબનાવ બાદ સાસુએ પુત્રવધૂને ધમકી આપી હતી. કે જો તે આ અંગે “પતિ કે અન્ય કોઈને જાણ કરશે તો તેના ટુકડા કરી નાખવામાં આવશે.” આ ધમકીના કારણે ભયભીત બનેલી સગીરાએ લાંબા સમય સુધી કોઈને આ અંગે જાણ કરી નહોતી. જોકે, થોડા દિવસો બાદ તેની પિતરાઈ બહેન તેને તેડવા માટે રાજસ્થાનથી અમદાવાદ આવી હતી. ત્યારબાદ સગીરા પોતાના પિયરમાં ગઈ હતી, જ્યાં તેણે માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. દીકરી સાથે બનેલી આ હચમચાવી દેનારી ઘટનાની જાણ થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. જાકે, પરિવારજનોએ હિંમત દાખવીને ન્યાય મેળવવા માટે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. તેઓ રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા. અને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે નિકોલ પોલીસે સગીરાની સાસુ અને દુષ્કર્મ આચરનાર યુવક સામે પોક્સો એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ બંને આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે.







































