અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને શહેરના કરદાતાઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનાના અંતર્ગત મોટી સંખ્યામાં નાગરિકોએ સમયસર ટેક્સ ભરતા મનપાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પરિણામે તિજારીમાં ૯૮૦ કરોડ રૂપિયાથી વધુની આવક જમા થઈ છે.

મહત્વનું છે કે, મનપા દ્વારા એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને ૧૫ ટકા સુધીની રિબેટ આપવામાં આવતી હતી. આ લાભ મેળવવા માટે ૩૧ મે અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. છેલ્લી તારીખ નજીક આવતા અનેક મિલકતધારકોએ ટેક્સ ભરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના કારણે વસૂલાતના આંકડામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

પ્રાથમિક વિગતો મુજબ શહેરના આશરે ૮.૨૮ લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ જમા કરાવી યોજનાનો લાભ લીધો છે. કરદાતાઓના આ સકારાત્મક પ્રતિસાદથી માત્ર મનપાની આવકમાં વધારો થયો નથી, પરંતુ ભવિષ્યના વિકાસકાર્યો માટે પણ નાણાકીય સશક્તતા પ્રાપ્ત થઈ છે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મનપાને લગભગ ૧૫૬ કરોડ રૂપિયાની વધારાની આવક મળી છે. આ વધારો દર્શાવે છે કે રિબેટ યોજના કરદાતાઓને પ્રોત્સાહિત કરવામાં સફળ રહી છે. સમયસર ટેક્સ ભરવાની વૃત્તિ વધતા નાગરિકો અને મનપા બંનેને લાભ થયો છે.

શહેરના વિકાસ માટે પ્રોપર્ટી ટેક્સ આવક મહત્વનો આધારસ્તંભ ગણાય છે. રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને અન્ય નાગરિક સુવિધાઓ માટે જરૂરી નાણાંનો મોટો હિસ્સો આવી આવકમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી ટેક્સ વસૂલાતમાં થયેલો વધારો શહેરના વિકાસ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.  અધિકારીઓનું માનવું છે કે, નાગરિકોની જાગૃતિ અને આકર્ષક રિબેટ યોજનાના કારણે આ વર્ષે અપેક્ષા કરતાં વધુ પ્રતિસાદ મળ્યો છે. આગામી સમયમાં પણ આવી યોજનાઓ દ્વારા કરદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી શહેરના વિકાસ માટે જરૂરી નાણાકીય સંસાધનો વધુ મજબૂત બની શકે.