વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલીના વન ચેતના કેન્દ્ર ખાતે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા ભવ્ય ‘બીજ મેળા’ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકૃતિના જતનનો સંદેશ આપવા માટે સ્થાનિક અને લુપ્ત થવાના આરે રહેલી ૧૦૦થી વધુ દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના બીજનું આકર્ષક પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નર્સરીની મુલાકાત લઈને ચોમાસામાં હરિયાળી વધારવા માટે ઉપયોગી એવા ‘સીડ્‌સ બોલ’ બનાવવાની પ્રાયોગિક તાલીમ મેળવી હતી. આ ઉપરાંત, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરીને પર્યાવરણના સંવર્ધન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.