સૌરાષ્ટ્રના પ્રખ્યાત તીર્થધામ તુલસીશ્યામ ખાતે ભક્તોની સુવિધામાં વધારો કરતો એક પ્રશંસનીય નિર્ણય લેવાયો છે. તુલસીશ્યામ ટ્રસ્ટ અને દાતાઓના આર્થિક સહયોગથી અહીં ૨૫ લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક, ધુમાડારહિત ઇલેક્ટ્રિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે. આ અદભુત રસોડું વીજળી અને ઓઇલના સમન્વયથી માત્ર એક કલાકમાં ૫૦૦૦ ભક્તો માટે ગરમાગરમ પ્રસાદ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય મોરારીબાપુએ આ પવિત્ર ભૂમિની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન શ્યામના દર્શન કર્યા બાદ આ આધુનિક કિચન તેમજ ગૌશાળાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને ગહન રાજીપો વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત, સરકારના પ્રવાસન વિભાગ દ્વારા મંદિરના સર્વાંગી વિકાસ માટે ૮.૩૦ કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ રકમથી મુખ્ય પ્રવેશદ્વાર, આકર્ષક રોશની, વિશાળ ર્પાકિંગ અને ડુંગર પર જવાના રસ્તાઓ જેવા અનેક લોકઉપયોગી કાર્યો એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.