અમરેલી જિલ્લાના શૈક્ષણિક ઇતિહાસમાં એક નવો અધ્યાય લખતા ઓક્સફર્ડ સ્કૂલે ધોરણ-૧૦ની પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના કુલ ૨૪૦ વિદ્યાર્થીઓમાંથી ૨૩૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા સંસ્થાએ સમગ્ર જિલ્લામાં પોતાનો ડંકો વગાડ્યો છે. આ શાનદાર દેખાવ સાથે શાળાનું પરિણામ ૯૯% જેટલું ઊંચું રહ્યું છે. શાળાના ૭૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે,જે અમરેલી જિલ્લાના ઇતિહાસમાં કોઈ એક શાળા માટે પ્રથમવાર બન્યું હોય તેવી ઘટના છે. અને ૬૨ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાનો પરિચય આપ્યો છે. જેમાં શુકલ રાજલે ૯૯.૯૪ પીઆર સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ભવ્ય સફળતા પાછળ ઓક્સફર્ડ સ્કૂલના નિષ્ણાત શિક્ષકોની રાત-દિવસની મહેનત અને યોગ્ય માર્ગદર્શન મુખ્ય પરિબળ સાબિત થયા છે. શાળાના શિસ્તબદ્ધ વાતાવરણ અને વિદ્યાર્થીઓના સતત પરિશ્રમને કારણે આજે આ સંસ્થાએ શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. આ ઉજ્જવળ પરિણામ બદલ શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ભાવિ કારકિર્દી માટે અનેક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર અમરેલી પંથકમાં ઓક્સફર્ડ સ્કૂલની આ સિદ્ધિની પ્રશંસા થઈ રહી છે. આ શાળાની વિશેષતા એ છે કે શાળાના શિક્ષકો એ જ સંચાલકો હોવાથી દર વર્ષે ઓક્સફર્ડ સ્કૂલનું પરિણામ ઉત્તરોત્તર વધી રહ્યું છે.









































