સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ દેશના બેંકિંગ ક્ષેત્ર અને ભારતીય જીવન વીમા નિગમ સાથે રૂ. ૨૭,૦૦૦ કરોડથી વધુના કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. શનિવારે, અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ છડ્ઢછ ગ્રુપની કંપનીઓ અને ડિરેક્ટરો સામે મુંબઈમાં ૧૭ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી કોર્પોરેટ ગવર્નન્સ અને બેંક ભંડોળના ઉચાપતના મુખ્ય કેસોમાં તપાસ એજન્સીના કડક વલણને પ્રતિબિંબિત કરે છે.
સીબીઆઈના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને તેમના ડિરેક્ટરો સામે નોંધાયેલા ત્રણ અલગ અલગ કેસ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મધ્યસ્થી કંપનીઓના કાર્યાલયો જેમના ખાતાઓનો ઉપયોગ બેંક ભંડોળને વાળવા માટે કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી હતી. મુંબઈની એક ખાસ કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવ્યા બાદ શુક્રવારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, અને અસંખ્ય ગુનાહિત દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કથિત કૌભાંડની નાણાકીય અસર ખૂબ મોટી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસોમાં જાહેર ક્ષેત્રની બેંકો અને રાષ્ટ્રીય વીમા નિગમને સંયુક્ત રીતે આશરે ૨૭,૩૩૭ કરોડનું નુકસાન થયું છે. તપાસમાં એ પણ ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે ભંડોળને ડાયવર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતી ઘણી મધ્યસ્થી કંપનીઓ એક જ સરનામે કાર્યરત હતી.
જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઇસી ની ફરિયાદોના આધારે, ફેડરલ એજન્સીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કુલ સાત કેસ નોંધ્યા છે. આ કેસ નોંધાયા પછી તરત જ, સીબીઆઇ એ છેલ્લા કેટલાક મહિનામાં ૧૪ અન્ય સ્થળોએ પણ દરોડા પાડ્યા છે.
૨૪ એપ્રિલના રોજ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બે વરિષ્ઠ અધિકારીઓ – સંયુક્ત પ્રમુખ ડી. વિશ્વનાથ (જેઓ જૂથના બેંકિંગ કામગીરીના એકંદર પ્રભારી હતા) અને ઉપપ્રમુખ અનિલ કલાયા (જેઓ બેંકિંગ કામગીરી અને ભંડોળના ઉપયોગમાં સક્રિય રીતે મદદ કરતા હતા) – ની ધરપકડ કરવામાં આવી હતી.
રિલાયન્સ એડીએ ગ્રુપ સામે સીબીઆઇની આ કાર્યવાહી ભારતમાં કોર્પોરેટ અને નાણાકીય વ્યવસ્થામાં રહેલી ખામીઓનો લાભ લેનારાઓ માટે કડક ચેતવણી છે. આ સમગ્ર કેસ પર સુપ્રીમ કોર્ટ સીધી દેખરેખ રાખી રહી છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ અને સીબીઆઇની સઘન કાર્યવાહી આગામી દિવસોમાં કંપનીના ટોચના મેનેજમેન્ટ અને ડિરેક્ટરો સામેની મુશ્કેલીઓમાં વધારો કરે તેવી શક્યતા છે, અને બેંકિંગ ક્ષેત્રના નિયમો પણ વધુ કડક બની શકે છે.








































