સુત્રાપાડા નગરપાલિકામાં ગત ૪ મે ૨૦૨૬ના રોજ એક અત્યંત નિંદનીય અને ગંભીર ઘટના બની હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિકભાઈ વૈશ જ્યારે પોતાની કાયદેસરની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે બારડ સંજય નામના શખ્સે કચેરીમાં પ્રવેશ કરી રસ્તાના બમ્પ બાબતે વિવાદ ઉભો કર્યો હતો. આ શખ્સે ઉશ્કેરાઈ જઈને અધિકારી સાથે અભદ્ર વર્તન કર્યું એટલું જ નહીં પરંતુ તેમના પર શારીરિક હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર આ શખ્સ વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના પડઘા સમગ્ર પંથકમાં પડ્‌યા છે અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ જન્મી છે. આ હુમલાના વિરોધમાં બીજા જ દિવસે નગરપાલિકાના તમામ કર્મચારીઓએ એકજૂટ થઈને ‘માસ સી.એલ.’ જાહેર કરી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓથી ભયભીત કર્મચારીઓએ તંત્ર પાસે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.