અમરેલી નગરપાલિકા દ્વારા શહેરની હદમાં આવતા તમામ જર્જરિત અને ભયજનક મકાનો તેમજ ઇમારતો ઉતારી લેવા માટે કડક સૂચના જાહેર કરવામાં આવી છે. ચોમાસા પૂર્વે સંભવિત હોનારત અટકાવવા માટે ચીફ ઓફિસર દ્વારા આ જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.નગરપાલિકાની યાદી મુજબ, સરકારી, અર્ધ-સરકારી, ખાનગી કે સ્લમ વિસ્તારના તમામ જર્જરિત ક્વાર્ટર્સ અને મકાનોના માલિકોએ ભયજનક ભાગો તાકીદે ઉતારી લેવાના રહેશે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જોગવાઈઓ હેઠળ અગાઉ નોટિસો અપાયા બાદ પણ જો કાર્યવાહી નહીં કરાય, તો પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાંધકામ દૂર કરવામાં આવશે.તંત્રએ નાગરિકોને આવા જોખમી મકાનોમાં પ્રવેશ ન કરવા અને તેની આસપાસ અવરજવર ટાળવા ચેતવણી આપી છે. કોઈપણ જાનહાનિ ન થાય તે માટે મિલકત ધારકોએ સુરક્ષાના ભાગરૂપે સ્વૈચ્છિક રીતે આ કામગીરી પૂર્ણ કરવા જણાવાયું છે.







































