ચૂંટણીના સમયમાં નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાની પાર્ટીથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જતા હોય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી (આપ)ના જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ (એસસી) મોરચાના પ્રમુખ ધીરુભાઈ ગોહેલે આપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જાડાયા છે.
ધીરુભાઈ ગોહેલે પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જાટવાએ તેમનો પાર્ટીમાં આવકાર કર્યો અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને ઉપયોગી થઈ શકાય તે માટે ચૂંટણી પ્રચારમાં લાગી જવાની કામગીરી સોંપી.
કોંગ્રેસમાં જાડાયા બાદ ધીરુભાઈ ગોહેલે આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરતા કહ્યું કે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની મનમાનીને કારણે તેઓ પાર્ટી છોડવા મજબૂર થયા. તેમણે આક્ષેપ કર્યો કે, “પૂંજીપતિઓના ચરણમાં જઈને પાર્ટીના કાર્યકર્તાઓને તેમના પગ પકડીને ચૂંટણી માટે મનાવવાની વાત કરવામાં આવી હતી, જે અત્યંત નિંદનીય છે.”
ધીરુભાઈ ગોહેલે જણાવ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના આંદોલનથી ખૂબ પ્રભાવિત થયા હતા અને આમ આદમી પાર્ટીમાં જાડાયા હતા. છેલ્લા ૪ વર્ષથી તેઓ પક્ષના વિવિધ હોદ્દા પર કામ કરી ચુક્યા છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલ સાથે મળીને વિસાવદર વિધાનસભા વિસ્તારમાં લોકસંપર્ક અને પેટાચૂંટણી પૂર્વે પાર્ટીનો જનાધાર ઉભો કરવા માટે સતત કામગીરી કરી હતી. પરંતુ વિસાવદર વિધાનસભાનું પરિણામ આવતા જ તેમની નારાજગી વધી ગઈ. તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સ્થાનિક કાર્યકર્તાઓને છોડીને પૈસા આપીને ઉમેદવારી કરી શકે તેવા લોકોને પાર્ટીમાં સામેલ કરવાનું શરૂ કર્યું. આનાથી તેઓ અત્યંત દુઃખી થયા અને છેવટે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જાડાઈ ગયા.
હવે ધીરુભાઈ ગોહેલ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે કામ કરશે. કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જાટવાએ તેમને આજથી જ કામે લાગી જવાની હાકલ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પક્ષપલટાની શું અસર થાય છે તે જાવાનું રહ્યું.