રાગ – વૈરાગ – ૧૭
આ તરફ,આખી જીપ ભરીને આનંદનાં માતાપિતા નજીકનાં સગાંવહાલાઓને લઈને સુમનને ચૂંદડી ઓઢાડવા ગયાં. પ્રસંગમાં મહેમાનોની પૂછપરછને લીધે અને આટલી બધી ગૂંગળામણને લીધે આનંદના દિલને જાણે બેચેની લાગવા માંડી.. આ અકળામણ તેણે હર્ષદને પણ કહી, પણ શુભપ્રસંગની વિધિ સંપન્ન થાય પછી જ પોતે મુક્ત થાય એમ હતું.
સુમન સાથે જોડાવાથી જાણે પોતાની સ્વતંત્રતા ઝૂંટવાઈ ગઈ એવો અહેસાસ થઈ ગયો. ઓછામાં પૂરું સવારથી જ સુમનની ક્લાસમેટ્‌સ, અને સગપણમાં થતી કાકા-મામા-ફઈની દીકરીઓ, નાની બહેનો, જીજાજી બનેલા આનંદની મજાક મશ્કરી કરતી જ રહી હતી.અત્યાર સુધીમાં કોઈનો તોછડો શબ્દેય નહીં સાંભળનારો આનંદ એક ક્ષણે તો ઉગ્ર બની ગયો.
સુમનની, ફૈબાની દીકરી બહેન થતી કામિનીની તોછડી, અભદ્ર ભાષાએ તો આનંદ ઉપર જ સંભળાવેલો એક જોક્સ ઉપર તો આ વૃંદ ખડખડાટ હસી પડયું અને આનંદનો મગજ ગયો.પોતાના બાપ- દાદા ઉપર થયેલી સસ્તી મજાકથી તો આનંદનો પારો સાતમા આસમાને ચડી ગયો ને એ ત્રાડી ઊઠ્‌યો, “હું કાંઈ તમારા લોકોના બાપદાદાના પૈસે નથી જીવતો કે તમે મનફાવે તેવી મજાક કરો. એલફેલ બકવાસ બંધ કરો. હું નથી મવાલી કે નથી તમારો ગુલામ, શું જોઈને મારી મજાક કરો છો? કોઈ સેન્સ જેવું તમારી માએ તમને શીખડાવ્યું છે કે નહીં?’
‘હં…હં…પણ તમે તો એ તો બિચારી નિર્દોષ…’ સુમન રગરગી ઊઠી.
‘એક વાત કાન ખોલીને તુંય સાંભળી લે સુમન, આજે આપણી માત્ર સગાઈ થઈ છે નહીં કે લગ્ન. કદાચ મંગળફેરા ચાલતા હોય તોય એક, બે ને ત્રણ!! મજાક મને પસંદ નથી કે નથી આ સંબંધ. આજથી આપણે મુક્ત છીએ.’
‘પણ..પણ..હું તો માત્ર તમારી મશ્કરી જ કરતી હતી. મારો એવો કોઈ ઈરાદો નથી. માત્ર નિર્દોષ આનંદ જીજાજી.’ કામિની ઊભી થઈ જતાં ગળગળી થતી બોલી ઊઠી.
‘નિર્દોષ આનંદને હું ન ઓળખી શકું એટલો અણસમજુ નથી કે નાનો કીકલો પણ નથી, પરંતુ તુંય તારા મગજમાં શબ્દો કોતરાવીલે કે મજાક મને જરાય પસંદ નથી. એમાં લિમિટ હોવી જોઈએ અને હવે ક્યારેય ફરીથી મારી ઉપર જોક કર્યોને તો એની અસર આ તારી બહેનના અંગત જીવન ઉપર પણ પડશે સમજી?’ કહી ઓરડો છોડી ગયો.
વડીલો આ બાબતથી અજાણ હતા. નિર્મળાબહેને તો સુમનને કંકુપગલાંના શુકન અર્થે પ્રતાપપુર લઈ જવા માટેય વેવાઈ-વેવાણ આગળ વાત કરી દીધી હતી. એ લોકોએ તરત જ હા કરી દીધી હતી અને વળતી વખતે સુમનનેય કંકુપગલાં કરવા માટે તેડવા આવ્યાં. અલબત્ત, આનંદને આ વાત બહુ પસંદ પડી નહોતી, પણ માના પ્રેમાગ્રહ આગળ તે ઝૂકી ગયો હતો.
સુમન આવી. બેત્રણ દિવસથી રોકાઈ છે, પણ નિર્મળાબહેન અનુભવી શક્યાં કે આનંદ માત્ર બોલવા ખાતર જ સુમન સાથે બોલે છે. આનંદ, બે દિવસમાં માંડ કલાક સાંજે અને એક-બે કલાક સવારે ઘરે રહ્યો છે બાકી તો વગડામાં ફરવા જ ચાલ્યો જાય છે. નિર્મળાએ જોયું સુમનની આંખોમાં અનોખી ઉલઝન પ્રગટે છે અને આનંદની આંખોમાં ભારેલો અગ્નિ!
ત્રીજે દિવસે આનંદ બાદલગઢ જવા માટે નીકળવાની તૈયારી કરવા લાગ્યો. નિર્મળાબહેને આનંદને, સુમનને પોતાના ઘેર મુકી આવવાનું કહ્યું છતાં આનંદ ઉપર તેની જરાય અસર ન થઈ. એ તો આવજો કહીને ચાલતો થઈ ગયો.નિર્મળાબહેન મોં વકાસીને તેને જતો જોઈ રહ્યાં. માત્ર સહસા તેણે સુમનની આંખમાં જોયું તો તેની આંખોમાં નકરો ભય વ્યાપી ગયો હતો. તે તેની તરફ વળ્યા ને ‘બેટા સુમન…. કહીને તેને માથે હાથ મૂક્યો, પણ એ પહેલાં તો સુમનની આંખો આંસુથી ઝળાઝળા થઈ ગઈ હતી.
‘પ્રતાપપુર જઈને આવ્યા પછી આનંદનો ચહેરો સાવ નૂર વગરનો થઈ ગયો હતો. જિંદગીમાં કોઈ જાણે રસ જ રહ્યો ન હોય એમ હરતીફરતી લાશ જેવો બની ગયો હતો. જમવાના ટાઈમે જમતો. નિશાળે જવાના ટાઈમે તૈયાર થઈ સાવ માંદલી ચાલે જતો રહેતો, પાછો આવતો તો જાણે મણ મણનો ભાર પગમાં ન બાંધ્યો હોય એમ ભાંગેલી ચાલે આવતો અને પોટકું બનીને બેસી પડતો. અલબત્ત, આ બધી બાબતોથી રૂપા અજાણ તો ન જ હોય એ સ્વાભાવિક હતું. આનંદ આવ્યો અને ચારેક દિવસ જેવું વીતી ગયું, પણ આ દિવસમાં બન્ને જણ વચ્ચે ચાર શબ્દોની પણ આપલે થઈ નહોતી. રૂપાને લાગ્યું કે કદાચ મારી સગાઈ થઈ ગઈ છે એટલે આનંદને એનું ખોટું લાગ્યું હોય, પણ અંતે એ કરે તો શું કરે? વ્યવહારના છાબડે પોતાના કુંવારા અરમાનનો ઘડો બાદ થઈ ગયો હતો. હૈયું તો હજી ક્યાં માનવા તૈયાર છે કે પોતાનું બીજી વારનું સગપણેય થઈ ચૂક્યું છે. અને એના વરનું નામ મોહન છે. મોહન સાથેય ક્યાં નજર મળીય હતી? ચોરીછૂપીથી બૈત્રણ વાર નજર ચૂકવવાનો પ્રયાસ મોહને જરૂર કરેલો, પણ એ નજર મેળવી શકી નહોતી. જેમ આનંદ સાથે આંખોમાં આંખો નાખીને વાત કરી શકતી હતી એવો પોતાનો પુરૂષ મોહન નહોતો લાગ્યો, પણ આનંદના ચહેરા પરની અસ્વસ્થતા રૂપાનું હવે કાળજું કોરી ખાતી હતી. આજે આનંદને એણે જમવા બોલાવ્યો ને આનંદ આવ્યો. ચોકડીમાં હાથ ધોઈ જમવા બેઠો. લુસ લુસ બે કોળિયા ખાઈને ઊભો થવા ગયો કે રૂપાએ તેનો હાથ પકડીને બેસાડી દેતાં ઠપકાના સૂરે કહ્યું,
‘શા દીદાર કર્યા છે? એવું તે કયું આભ તૂટી પડયું છે કે ચાર ચાર દી ‘ થી આવ્યા તોય બોલતા નથી? મારો કાંઈ વાંક? મારો કોઈ ગુનો થયો હોય તો માફી માગું છું, પણ આમ કશું બોલ્યા વગરના માર્યા માર્યા ફરો છો તે મને ગમતું નથી જરાય, મારા સમ છે તમને.’ કહેતાં આનંદનો હાથ પોતાના માથા ઉપર મૂકી દેતાં કહ્યું, ‘શું કરું બોલો? અબળા છું. એક સ્ત્રી છું. બોલવું’તું તો ઘણુંય પણ આબરૂ, સમાજ, વ્યવહાર બધો આડો આવ્યો. મન તો હજી ના પાડે છે કે મત જા… મત જા પણ મનને કાંઈ કહી શકાય છે? બોલો તો..’ કહેતી એની આંખમાં ઝળહળિયાં આવી ગયાં. આનંદે એને સાહી લીધી. રૂપા, આનંદને વળગી ગઈ.
ઓસરીમાં ઢાળેલા ખાટલા ઉપર આનંદ બેઠો. આડો થયો અને રૂપા એની છાતીમાં ઢળી ગઈ. પાંચેક મિનિટ પછી એણે ચહેરો ઊંચો કર્યો. આનંદે એના આંસુ લૂછ્યાં.
‘પગલી, હવે ક્યારેય રોતી નહીં. જે સ્ત્રીને પોતાની માની હોયને એની આંખોમાં આસું આવે એ ક્યા પુરુષને ગમે? રૂપા, તું તો મારી જિંદગી છે. તું મારી ધડકન છે. તું જ મારે મન મારું સર્વસ્વ છે, પણ તું કહી શકે છે, જયારે હું કહીને પણ હળવો થઈ શકતો નથી.’
‘મને ખ્યાલ આવ્યો છે આનંદ, પણ આ જ તો જિંદગી છે. પંખીની જાત જેવી.! આજે અહીં તો કાલે ક્યાંક બીજે! પંખીના મેળામાં મેળો બનીને મહાલવાનું અને અંતે છૂટા પડી જવાનું.’
‘ રૂપા,હું તને..’
“તમારીય સગાઈ થઈ ચૂકી છે. એમ જને? એ પણ તમારા ઉપર બળજબરી વાપરીને થઈ છે. તમને પસંદ નથી. એમ જને?’’
‘હા, એમ જ. પણ તને…’
‘તમે હમણાં જ કહ્યુંને કે જેને પોતાના માનતા હોઈએ ભલે એ હોઠમાંથી હરફ પણ ન કાઢે પણ એનાં પગલાં પામીને સ્ત્રી બધી જ વાતનો તાળો મેળવી લે છે.’
‘પણ સુમન..’
‘જુઓ, આપણે એક એવા ઉંબરાની ધાર ઉપર ઊભા છીએ જયાંથી હું બહાર આવી શકું એમ નથી. તમે અંદર આવી શકો એમ નથી. આ બધી ઈશ્વરની અકળ લીલા છે. તમે પુરુષ છો, હું તો સ્ત્રી છું, મારી વેદનાને સમજી શકશો. લગ્ન કરીને એ ઘરે જવાનું, માત્ર પારકાને પોતાના કરવા એટલી જ વાત નથી. તમને તરછોડીને મારે પારકા પુરુષને મન તો આપવાનું જ છે, સાથે તન પણ આપવાનું છે. મારું દરદ તમે સમજી શકો છો? જેની સાથે ફૂલશૈયા પર રાતભર જાગવાના અભરખા સેવ્યા હોય એના બદલે કોઈ અન્ય પુરૂષ સાથે? ??!મારા કુંવારા અરમાનની ગૂંથેલી માળાનાં ફૂલોને મારે પોતાના હાથે જ તોડી નાખવાના? કહેતી એ રડી પડી.આનંદે એને સ્પર્શવા હાથ લંબાવ્યો પણ એ કોઈ અકળ કારણસર સ્પર્શી ન શક્યો. રૂપાની આંખનાં આસુએ એ દ્રવી ઊઠ્‌યો અને મેડે ચડી ગયો.(ક્રમશઃ)