આકાશમાં વાદળા ઘેરાયા હતા. ગોરંભો જામી ચૂક્યો હતો. મેડી ઉપર બેઠો બેઠો આનંદ કુદરતની લીલા નિહાળી રહ્યો હતો.
સાંજ પડી ચૂકી હતી. આનંદ ની જિંદગી અત્યારે દોરાહા ઉપર હતી.શું કરવું? ક્યાં જાઉં?.. કોઈ રસ્તો દેખાતો નહોતો. એક બાજુ રૂપા હતી,એક બાજુ માં બાપ હતા.એક બાજુ ખીણ હતી.એક બાજુ મીણ હતું. દિલ અને દિમાગ ની વચ્ચે, બુદ્ધિ અને લાગણી ની વચ્ચે જીંદગી ઘડિયાળના લોલક ની જેમ આ છેડેથી સામા છેડા સુધી આમતેમ ફંગોળાતી હતી.
તે દિવસે સાંજે કંકુબહેને આનંદને મીઠો ઠપકો આપતાં કહ્યું, ‘આટલો બધો ખર્ચો ન કરાય આનંદભૈ.’
‘કેમ? એમાં ખર્ચો શાનો? આ બધું તો બા લઈ આવી હતી. હજી એક સાડી તો લાવવાની ભુલાઈ ગઈ છે.”
“બાને કહેજો કે આવો ખર્ચો ન કરે.’
‘ના હોં, એ હું ન કહું. એ બધું કહેવા માટે તો તમારે જ આવવું પડશે. બોલો ક્યારે આવશો? બાએ ખાસ કહેવડાવ્યું છે.’
‘અંજળ બળવાન હશે તે દી ચોક્કસ આવશું, પણ રૂપા માટે કંઈ લાવતા નહીં.’
‘પણ તમને વસ્તુઓ ગમી તો ખરીને?’
‘હા, રૂપલીને તો બહુ સારું લાગશે’ કહી પછી રૂપાને ઉદ્દેશીને કહ્યું, ‘બેટા, આ ચેન, બુટ્ટી અને બંગડી મહેમાન તને જોવા આવે ત્યારે પહેરજે હોંકે. શોભી ઊઠીશ જોજેને.’
રૂપા , મામાના ઘરે ગઈ ત્યારે મામાના ઘરે કંઈક ચણભણ તો થતી જ હતી. મામીનાં કાકી, એમનાં બા અને એમના ભાઈ બધાં એક દિવસ આવ્યાં હતાં, પણ ખરાં, પણ કંઈ સૂઝકો નહોતો પડયો. અને આજ? આજ બા કેમ કહે છે કે મહેમાન જોવા આવવાના છે એમ કહે છે?
બસ? પોતે ખરેખર મોટી થઈ ગઈ છે? લગ્ન કરીને બાપનું ઘર છોડવું પડશે? આ ફળિયું, આ આંગણું, આ ઘર, ભીંત, શેરી બધું છોડવાનું? નહીં, આ ગવરી ગાય,આ બળદ, બેય ભેંસ, ફરજો, ગમાણ, એક ઢાળિયું હૈયાથી ને ગળાથી નહીં છૂટે એમ. તો આ બધું?
એક અજાણ્યો ધ્રાસકો તેના હૈયાને ઘેરી વળ્યો ને પોતે મનોમન જ ગળગળી થઈ ગઈ. આ બધું છોડવાનું તો આનંદને પણ છોડવાનો જને હૈયેથી…? ના, ના..એ નહીં છૂટી શકે. એની બદામી આંખોમાં એવું તે શું છે. જેની પોતાને પણ જાણ નથી.
તેની બદામી આંખ જાણે ગળાડૂબ કામણમાં ડુબાડી દે છે? આ રુદિયું આનંદ તરફ લગાતાર ઢળતું જ જાય છે!
એની પહેલી નજરના મેળાપમાં જ એવું કયું ખેંચાણ હતું કે એણે પોતાને આખેઆખી મૂળ સોતી ખેંચી લીધી છે.એની યાદ કદી વીસરાતી જ નથી. આનંદના નિર્દોષ ચહેરાને એણે માણ્યો હતો. એ ભલો નિર્દોષ પ્રેમાળ માણસ તેની આંખોમાં વસી ગયો હતો અને ત્યાંથી ઠેઠ હૈયાના ઊંડા તળિયે ઊતરી ગયો છે. છતાં પણ પોતે મજબૂર અને લાચાર છે. એક વાર તો જેસંગ સાથે વેવિશાળ કરીને પનારો પડયો હતો. એ તો પોતે નાની ને અણસમજુ હતી. પણ હવે?
હવે તો પોતે સમજુ હતી. પોતાના પણ સમણાં હતાં. કોડ હતાં. છતાં પણ વિવશ હતી. હવે જે કોઈ, ક્યાંય થી મામા-મામી કે મા-બાપ ગોતે અને પરણી જવાનું હતું. તો પછી આંખોમાં ઢબૂરેલાં સમણાંનું શું? એની અંદર એક ટીસ ઊઠી. ભીતરની વેદના તેના હૈયાને મધમાખી જેમ છંછેડી રહી.હૈયું ચારણી શુ બની ગયું. પણ પછી પોતે જ પોતાને આશ્વાસન આપવા મથી રહી.
કે, જવા દે મનવા, ! આ જીવતર તો પંખીનો મેળો છે..આજે આનંદ આવ્યો છે એને બદલે કોઈ પરણેલો બચરવાળ માસ્તર નોકરી કરવા આવ્યો હોત તો? એવા નોકરિયાત તો ગામમાં આવે ને જાય. એની હાર્યે જીવતરના તાંતણા થોડા ગૂંથવા મંડાય?! . એ તો બીજે નોકરી મળે, કે બદલી થાય કે તરત જ ત્યાં ઊડી જાશે. પણ તો પછી શું પોતાનાથી આનંદને વેગળો કરાશે? પોતે ચાલી જશે?? કદાચ. ના, ઘણી વાર ઊંચે સાદે બોલાઈ જાય, કોઈ ઠોળ્ય (મજાક) થઈ જાય તોય એ માણસ છેક મૂળથી ખળભળી જાય છે તો મારી સાસરવાટની વિદાય વેળાએ એના ઉપર શી વીતશે?
બે દિવસ પછી સાંજેકના જ કંકુબહેને તેને બોલાવ્યો. આનંદ આવ્યો. કંકુબહેને કહ્યું, ‘આનંદભૈ, ગુરુવારે તમારે નિશાળે ગયા વગર હાલે એવું છે?’
‘કેમ વળી? કાંઈ કામ છે?’
‘હા, રૂપાના મામાના સમાચાર આવ્યા છે. રૂપાને જોવા માટે મહેમાન આવે છે. જો તમે અહીંયાં હો તો એના બાપુને જરીક ટેકો રહે.’
આનંદને જાણે કાળજા ઉપર કટારીનો ઘા થયો. તેણે રૂપા સામે જોયું. રૂપાની અને પોતાની ચારનજર ભેગી થાય ન થાય પણ એ પહેલાં, આનંદને થયું કે પોતે રૂપાની સામું નહીં જોઈ શકે. તેણે નજર વાળી લીધી અને ‘હા, હું અહીં જ છું કંકુબહેન.’ કહી બહાર ચાલ્યો ગયો.
મહેમાનો આવવાના હતા એની આગલી સાંજ ઘરમાં કોઈ નહોતું. રૂપાએ, આનંદે આપેલી નેઈલ પોલિશથી નખ રંગ્યા. જૂની બંગડીઓ કાઢીને આનંદે લાવી આપેલી કાચની બંગડીઓ પહેરી. બુટ્ટી પહેરી અને ચેઈન કાઢી. ચેઈનને તે ધારી ધારીને જોઈ રહી. પછી અરીસા સામે આવી. હૂક ખોલવા ગઈ, પણ ફાવ્યું નહીં. તેણે દૃષ્ટિને મેડા સુધી લંબાવી. આનંદ મેડાને પગથિયે બેસી તેને જ જોઈ રહ્યો હતો. એણે આનંદને બોલાવ્યો,
‘આ ચેઈનનું હૂક જરાક ખોલી દો ને. ખૂલતું નથી.’ આનંદે હૂક ખોલતાં કહ્યું, ‘કહેતી હોય તો પહેરાવી દઉં.’
‘તો પહેરાવી દો બસ.’ રૂપા નજીક આવી .અવળું ફરીને ઊભી રહી. બન્ને અરીસા સામે ઊભા રહ્યાં. આનંદે હૂક ખોલી, ચેઈન તેના ગળામાં પહેરાવી અરીસામાં દેખાતા રૂપાના નમણા ચહેરા સામે જોઈને બોલ્યો, ‘બસને?’
‘બસ.’ માથું ધુણાવી રૂપા ટહુકી. પણ, હૂક બરાબર ફિટ થઈ ગયું છે કે નહીં તેની તપાસ કરતો આનંદ ઉદાસ સ્વરે બોલ્યો, ‘હવે તો થોડાક દિવસની જ મહેમાનને? આ નોરતાંએ નહીં, પણ આવતાં નોરતાંએ તો તું અહીં શેની હોય?’
‘આગળ ન બોલશો નહીંતર….’
‘ખોટું કહું છું? આ ઉનાળામાં જ લગભગ તારા લગનનું નક્કી થઈ જશે એમ કંકુબહેન કાલે મારા મોઢે કહેતાં હતાં. પછી. તો આ ઘર સૂનું ને સૂનો મારો મેડો.’
પણ એ આગળ બોલે એ પહેલાં તો રૂપાની પાતળી પાંપણ છેદીને આંસુની ધારા તેના ગાલને ભીંજવી ગઈ હતી. અરીસામાં દેખાતા રૂપાના આંસુભર્યા ચહેરાને જોતાં આનંદ બોલી ઊઠ્યો, ‘રૂપા, ગાંડી થઈ ગઈ છો?’
‘ત્યારે શું? બેત્રણ દી’થી તો મંડી જ પડયા છો, જ્યારે ને ત્યારે..” કહેતી તે પાછું ફરીને આનંદને બન્ને ખભે હાથ રાખી તેની છાતીમાં મોઢું છુપાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
‘અરે પણ…..’ આનંદ તેની પીઠ પર હાથ પસવારતો હતો. બરાબર એવે ટાણે ઓચિંતા જ ફળિયામાં આવી ગયેલી શ્વેતા ઓસરીનું દૃશ્ય જોઈને થાંભલાની જેમ ખોડાઈ ગઈ અને પછી તે બન્નેને ખ્યાલ ન આને એમ પાછે પગલે પારૂઠ ફરી ગઈ..!! (ક્રમશઃ)







































