આનંદે હસીને તેને પૂછ્યું, ‘‘ શું જુએ છે?’
‘‘રૂપાને..’’હર્ષદ પોતાના પરમ મિત્ર આનંદની આંખોમાં આંખ નાખીને પુનઃ બોલ્યો,‘‘એક માત્ર રૂપાને..’’ જવાબમાં હસીને આનંદે હર્ષદ ને પૂછ્યું , ‘શું લાગ્યું?’
‘‘શું નથી લાગ્યું એમ કહેને.’’
“હું જે તને કહેતો હતો એ વાત…જરા પણ ખોટી નથી. હર્ષદ તારી લાગણીને હું પામી શક્યો છું, પણ હું રૂપાને ક્યાં પામી શકવાનો છું?’’
‘‘એ તારી કમનસીબી છે.”
‘‘એવું ન બોલ દોસ્ત.’’
‘‘તો શું કહું? કોને કહું? મારી
આભાર – નિહારીકા રવિયા ઉર્મિઓ, મારાં સમણાં, મારા કોડ, મારા મનોરથ.’’
“વાસ્તવિકતા સ્વીકારી લે આનંદ. બાકી, તું એ જખ્મ ને સ્વીકારીને નહીં જીવે તો પાગલ બની જઈશ.”
‘‘બની જવા દે.’’
‘‘ના, તારો પ્રેમ એ પાગલપન નથી. તારો પ્રેમ એ કોઈ દેખાડાની ચીજ નથી. તારો પ્રેમ એ કોઈ બૂમબરાડા, શોરબકોર કરીને પ્રગટ કરવાની રજૂઆત પણ નથી. તારો પ્રેમ ભીતરથી મહોર્યો છે. તારો પ્રેમ સાચો છે. શાશ્વતી છે અને શાશ્વત ચીજને કોઈ અભિવ્યક્તિના માધ્યમની જરૂર પડતી નથી. રૂપા જ્યાં પણ જાય, તારું સ્થાન તો તેના હૃદયના એક ખૂણામાં અખંડિત જ રહેવાનું છે. તું ખુશીથી એને રજા આપ, તારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ તેની સાથે જ હોય એ તારે શીખવાનું છે. આનંદ, એક વાત કહું? દિલમાં દવ લઈને પણ જે હસતાં હસતાં જીવી જાણે એનું જ નામ મરદ! સામેવાળું પાત્ર જ્યાં પણ રહે ત્યાં બહુ સુખી રહે એવી જ આરદા ઝંખવાની અને ત્યારે જ પ્રીતનું
સાચું મૂલ આંકયું ગણાય. જયાં સ્વાર્થ હોય એ પ્રીત નથી, વાસના છે માત્ર.’’ ‘‘પણ હું ભૂલી નહીં શકું.’
‘‘તું ખરેખર ભાગ્યશાળી છે કે રૂપા જેવું પાત્ર જીવનમાં આવ્યું..’’
‘‘રૂપા નહીં માત્ર તેનો પડછાયો આવ્યો ને ચાલ્યો ગયો. હવે એ પડછાયાની છાયાને પામવા ફાંફાં માર્યા કરવાનાં છે. તને ખબર છે હર્ષદ, બાદલગઢમાં મારા હાજર થયાના બીજા જ દિવસથી એણે મારી જે કાળજી લીધી છે એમાં નકરો પોતાપણાની જ ભાવના છે. હર્ષદ, તને એટલું તો ચોક્કસ કહીશ કે સુમન આટલા પ્યારથી મને નહીં સાચવી શકે, પણ નસીબના ખેલ તો જો, જે પાસા મારી રમતમાં આવ્યા એ જ રહ્યા નહીં.’’
‘‘એનું નામ જિંદગી.’’
‘‘પણ એના વગરની મારી જિંદગી કોઈ કામની નથી.’’
રૂપા ભણી તાકતો હર્ષદ બોલ્યો, ‘‘કડવા ઘૂંટડા ગળી જવાના અને કરીએ તો પણ શું કરીએ હવે આપણે? કાલ સવારે તો એય એના ઘરે ચાલી જશે.’’ આનંદ કશું બોલી ન શક્યો. બીજે દિવસે જ્યારે વહેલી સવારે બન્ને દોસ્તારો જવા માટે નીકળ્યા ત્યારે કંકુબહેન અને રાવજીભાઈ તો ગાડું જોડીને ક્યારનાય વાડી ભેગા થઈ ગયાં હતાં. રૂપા વાસીદું કાઢતી હતી. આનંદ બેગ લઈને નીચે ઊતર્યો. હર્ષદ પડખે ઊભો હતો. આનંદે તેનો પરિચય ગાઢ કરાવ્યો, ‘‘રૂપા, આ મારો મિત્ર હર્ષદ.’’ રૂપા એ તબકડું નીચે મૂક્યું અને પછી બન્ને હાથનાં આંગળાં એકબીજામાં પોરવતી ટહુકી, ‘કેમ છો? મજામાં?’
‘‘હા.” જવાબ દેતી વખતે હર્ષદને લાગ્યું કે વગડાની બપોરી કોઈ વેરાનતામાં કોયલે પોતાના ટહુકાથી વગડો ભર્યો ભર્યો કરી દીધો છે. એ જોતો જ રહ્યો રૂપાને.!! આનંદે હસીને વળી કહ્યું, ‘અમે બન્ને સાથે જ ભણતા હતા.’
‘‘હા, એ તો તમે મને એક વાર કહ્યું હતુંને.?’’
‘‘આજે મને તેડવા આવ્યો છે.’’
‘‘બહુ રોકી ન લેતા.’’ કહી રૂપા હસી પડી. ‘‘નહિતર પછી તમારા ભાઈબંધને અહીં પાછું આવવું ગમતું નથી.’’
‘‘ના. હોં.’’ હર્ષદ મોઘમ કહ્યું, ’’કોને નહીં ગમતુ હોય એ તો ઉપર વાળો જાણે જ છે?’’
‘‘રહેવો ઘો રહેવા, પાછા મારા વગરના કેવા ભૂરાયા થઈ જાવ છો?’’
‘‘સાચી વાત છે તમારી.’’ હર્ષદે રૂપાને કહ્યું.
‘‘ત્યારે શું? સાચું કહીએ તો તમારા ભાઈબંધને ગમતું નથી. પછી રિસાઈ જાય નાના છોકરા જેમ…..’’કહી ખિલખિલ હસી પડી.
આનંદે હસતાં હસતાં કહ્યું, ‘આ વખતે તો તને કહીને જાઉં છું કે હું ઘરે જાઉં છું. હવે મને કહેતી નહીં.”
‘‘નહીં કહું, બસ.’’
‘‘હું બેત્રણ દિવસમાં આવતો રહીશ.’’
‘‘વાંધો નહીં.’’
‘‘હા યાદ આવ્યું.’’
‘‘શું?’ જેમ વાદળી આડેથી ચંદ્ર ડોકું કાઢે એમ રૂપાનાં નેણ વળી ઊંચકાયાં
‘‘દશેરાને દિવસે તો અહીંયાંય મહેમાન આવવાના છેને.’’
રૂપાનું મોઢું પડી ગયું. એ નીચે જોઈ ગઈ. ‘‘તને કહું છું.? આનંદે રૂપાને બોલાવતાં પૂછ્યું, ‘કહે તો ખરી.’’
રૂપા ભારઝલ્લી પાંપણે તે બન્નેની સામે જોઈ રહી. હર્ષદને થયું કે હમણાં જ રડી પડશે. એણે આનંદને મીઠો ઠપકો આપતાં કહી દીધું, ‘’જરાક સંભાળીને બોલને. અત્યારના પહોરમાં એમનો મૂડ શું કામ ખરાબ કરે છે. આમ સવાર સવારમાં…’’ અને પછી રૂપાને કહી દીધું ‘તમે ખોટું નહીં લગાડતાં હોં! હજી આ સાવ અણસમજુ જ છે. કાંઈ ખબર જ નથી પડતી.’’ આનંદને પણ થયું કે મારે તેની લાગણી દુભાવવી ન જોઈએ, પણ ક્યારેક ક્યારેક જીભમાંથી આમ શબ્દો વછૂટી જ જાય છે.
તેણે ડગલું માંડ્યું ને બોલ્યો, ‘‘તો હું જાઉં છું.’’
‘‘આવજો નહીં કહે?’’
રૂપા કશું બોલી નહીં.
આનંદ તેની સામે આવ્યો, ‘‘એક વાર હસીને આવજો કહે તો જ હું જઈશ નહિતર તને દુભાવ્યાનું પાપ મને અંતરમાં ચટક્યા કરશે. જ્યાં લગી આવીશ નહીં ત્યાં લગી.’’
જવાબમાં રૂપાના હોઠ સહેજ વંકાયા. ધીરો કૃશ માંદલો અવાજ નીકળ્યો.
‘‘આવજો. બસ?’’
બન્ને નીકળ્યા.
શેરી વળોટતાં આનંદે પાછું ફરીને જોયું. સાથોસાથ હર્ષદથી પણ પાછું વળીને જોવાઈ ગયું. રૂપા હજી યથાવત્ જ ઊભી હતી. ખોડેલી થાંભલીની જેમ જ.!
હર્ષદને થયું, બન્ને કદાચ એકબીજાં માટે જ સર્જાયાં હશે, પણ સમાજને ક્યાં મંજૂર હોય છે? પોતાના દિલોજાન દોસ્તારનાં સમણાંના ફૂલ રણમાં જ ખરી ગયાનો અહેસાસ થઈ ગયો અને તેના હૈયામાંથી નિઃશ્વાસ નીકળી ગયો. (ક્રમશઃ)








































