વેરાવળમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની અત્યંત ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીએ મહેંદી શીખવા જતી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની મજબૂરી અને એકલતાનો ઘોર દુરુપયોગ કર્યો હતો. આ સમગ્ર મામલાની પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર સગીરા ઓનલાઇન મહેંદી ક્લાસ શોધતી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર તેની મુલાકાત વેરાવળમાં જ રહેતી અને મહેંદી શીખવતી અન્ય એક સગીરા સાથે થઈ હતી. પીડિતા ત્યાં મહેંદી શીખવા જતી હતી ત્યારે મહેંદી શીખવનાર સગીરાના ૧૯ વર્ષીય ભાઈ મહમદ સીરાજ ઇમરાનભાઈ ચૌહાણે પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વાતચીત શરૂ કરી હતી. આશરે ૧૫ દિવસ પૂર્વે જ્યારે પીડિતા હંમેશ મુજબ મહેંદી શીખવા માટે આરોપીના ઘરે ગઈ હતી ત્યારે આરોપી મહમદ સીરાજે રૂમમાં એકલતાનો ગેરલાભ લીધો હતો. તેણે સગીરાને વાતોમાં ફસાવી તેની સાથે બળજબરી કરી કુકર્મ આચર્યું હતું. પરિવારે સગીરાના મોબાઇલમાં ફોટો જોતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને વેરાવળ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.